Gujarat Weather Rain Forecast: ગુજરાતભરમાં અત્યારે કાળઝાળ અને આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના નાગરિકો માટે આગામી 4 દિવસ ભારે સંકટના હોવાની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દરિયાકાંઠાના ભેજવાળા પવનોને કારણે રાત્રે પણ અસહ્ય અકળામણ (ડિસ્કમ્ફર્ટ) નો સામનો કરવો પડી રહ્યો છે, તેની વચ્ચે જ આગામી 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ ગતિના વાવાઝોડા સાથે પ્રિ-મોન્સૂન વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Weather : સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદ શહેરમાં પણ તાપમાનનો પારો 43.6°C એ પહોંચ્યો હતો, જે સામાન્ય કરતાં 1.7°C વધુ છે. આ સિવાય રાજકોટમાં 43.3°C, ગાંધીનગરમાં 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને અતિશય ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે રાત્રિના સમયે પણ લોહી ઉકાળતી અકળામણ અનુભવાઈ રહી છે. આગામી બે દિવસ હજુ નાગરિકોએ આવી જ કટોકટીભરી ગરમીનો સામનો કરવો પડશે, ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો નોંધાશે.

જાણો 4 દિવસ ક્યાં-ક્યાં ત્રાટકશે વાવાઝોડું
હવામાન વિભાગના અહેવાલ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે 27થી 29 મે સુધી હવામાન સૂકું રહ્યા બાદ, 30 મેથી વાતાવરણ પલટાશે:
30 મે: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સમગ્ર કચ્છ પંથકમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40થી 50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
31 મે: વિપરીત હવામાન આગળ વધતા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આશંકા છે.
1 જૂન: આ દિવસે નુકસાનીનો વ્યાપ વધી શકે છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.
2 જૂન: પૂર્વ અને દક્ષિણ ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ ચાલુ રહેશે.
નૈઋત્યના ચોમાસાની આગેકૂચ
હવામાનપ્રેમીઓ અને ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ પણ છે કે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રના વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ ચોમાસું આગળ ધપી ચૂક્યું છે અને આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં પ્રવેશવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જી રહ્યું છે. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરશે, પરંતુ વાવાઝોડાની ઝડપને જોતા ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે.
