Kerala Monsoon Forecast: ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ 2026 ના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 દિવસ વહેલું કેરળ પહોંચવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે 26 મેના રોજ જ મેઘરાજા કેરળમાં દસ્તક આપી શકે છે.
તીવ્ર ગરમીથી મળશે રાહત
ચોમાસાના વહેલા આગમનથી દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને કાળઝાળ ગરમીથી વહેલી રાહત મળશે. જેમ જેમ ચોમાસું ઉત્તર તરફ આગળ વધશે, તેમ તેમ દેશના અન્ય ભાગોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના મતે, આ વખતે ખરીફ પાકની વાવણી માટે પણ સ્થિતિ અનુકૂળ રહેશે, જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.

કેમ વહેલું આવશે Monsoon ?
IMD એ છ મુખ્ય હવામાનશાસ્ત્રીય સૂચકાંકોના વિશ્લેષણના આધારે આ આગાહી કરી છે. જેમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન, દક્ષિણ ચીન સમુદ્ર અને પેસિફિક મહાસાગર પરના પવનો અને રેડિયેશન જેવા પરિબળોનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો હાલ ચોમાસા માટે પોઝિટિવ જોવા મળી રહ્યા છે.
કેરળમાં અત્યારથી જ એલર્ટ
ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ કેરળમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ ગઈ છે. હવામાન વિભાગે 15 મેના રોજ કેરળના ઈડુક્કી અને મલપ્પુરમ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે અન્ય ઘણા જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
છેલ્લા 6 વર્ષનું IMD નું પૂર્વાનુમાન અને વાસ્તવિકતા
| વર્ષ | ચોમાસાનું આગમન (Actual) | હવામાન વિભાગની આગાહી (Forecast) |
| 2020 | 1 જૂન | 5 જૂન |
| 2021 | 3 જૂન | 31 મે |
| 2022 | 29 મે | 27 મે |
| 2023 | 8 જૂન | 4 જૂન |
| 2024 | 30 મે | 31 મે |
| 2025 | 24 મે | 27 મે |
હવામાન વિભાગનો ટ્રેક રેકોર્ડ જોતા, છેલ્લા 21 વર્ષમાં તેમની આગાહીઓ મોટાભાગે સાચી પડી છે, જે આ વર્ષના પૂર્વાનુમાન પર લોકોનો વિશ્વાસ વધારે છે.
