અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર યથાવત ચાલુ છે. દક્ષિણ કંદહારમાં રહેણાંક લશ્કરી વસાહતો ખાલી કરાવવાને લઈને હજારો અફઘાનોએ તાલિબાન સામે વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત, વીસ પ્રાંતોમાં ઓછામાં ઓછા 153 અફઘાન મીડિયા હાઉસને કામ કરતા અટકાવવામાં આવ્યા છે.
કંદહારમાં ગવર્નર હાઉસ બહાર ભેગા થયેલા હજારો અફઘાન લોકોએ વિરોધ કર્યો છે. આશરે 3,000 પરિવારોને રહેણાંક લશ્કરી વસાહત ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. જેના વિરોધમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયાએ ફૂટેજ જાહેર કરતા કહ્યું કે, આ વસાહતમાં નિવૃત્ત અફઘાન સુરક્ષા દળોના સેનાપતિઓ અને અન્ય લશ્કરી અધિકારીઓના પરિવારો રહે છે. આમાંથી કેટલાક પરિવારો એવા છે કે તેઓ ત્રીસ વર્ષથી વધુ સમયથી અહીં રહે છે. પરંતુ તેમને ઘર ખાલી કરવા માટે માત્ર ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કે, તાલિબાનના પ્રવક્તાએ હકાલપટ્ટીના વિરોધમાં હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
છેલ્લા એક મહિનામાં અફઘાનિસ્તાનમાં મીડિયાનું પણ ગળુ દબાવી દેવામાં આવી છે. ઓછામાં ઓછા 153 અફઘાન મીડિયા હાઉસને દેશના વીસ પ્રાંતોમાં સંચાલન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ તાલિબાને સત્તા સંભાળતાંની સાથે જ મીડિયાની આઝાદી પર રોક લગાવી દેવામાં આવી છે રેડિયો, પ્રિન્ટ અને ટીવી ચેનલો સહિત 150 થી વધુ મીડિયા હાઉસ પ્રતિબંધો અને આર્થિક સંકટના કારણે બંધ છે. અફઘાનિસ્તાન જર્નાલિસ્ટ એસોસિએશનના ડેપ્યુટી હેડ હુજુતુલ્લાહ મુજાદીદીના જણાવ્યા અનુસાર, જે થોડું મીડિયા બાકી છે તે ટૂંક સમયમાં રહેશે નહીં.
સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ સરકારના રાજદૂત નાસીર અહમદ અન્દિશાનું કહેવું છે કે તાલિબાનોએ મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારો અંગેના તમામ વચનો પહેલેથી જ તોડી નાખ્યા છે.
નાસીર અહમદે મંગળવારે માનવાધિકાર પરિષદને જણાવ્યું હતું કે તાલિબાને સત્તા કબજે કર્યા બાદ વચન આપ્યું હતું કે તે મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. પરંતુ આખા અફઘાનિસ્તાનમાં આ વચનોની એક ઝલક પણ જોવા મળતી નથી.
