અમેરિકામાં કરોડો ડોલરના કોલ સેન્ટર સ્કેમમાં શામેલ હોવા માટે ભારતીય મૂળના 20થી વધારે લોકોને 20 વર્ષ સુધી કેદની સજા આપવામાં આવી છે. ભારત સ્થિત બોગસ કોલ સેન્ટર દ્વારા હજારો અમેરિકીઓ પાસેથી સેંકડો કરોડ ડોલર નું ફ્રોડ થયું હતું. આ અઠવાડિયામાં જે 21 લોકોને દોષી ગણવામાં આવ્યા એમને 4થી 20 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે.
સજા પુરી થયા બાદ દોષીઓને ભારત પરત મોકલી દેવામાં આવશે. અમેરિકાના એટર્ની જનરલ જેફ સેશન્સે આ ફેંસલાને મોટી જીત ગણાવી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ કોલ સેન્ટર સ્કેમ દ્વારા હજારો અમેરિકીઓને સેંકડો કરોડ ડોલર નો ચૂનો લગાવવામાં આવ્યો હતો.
અમદાવાદ સ્થિત કોલ સેન્ટર માંથી અમેરિકીઓ ને ફોન કરવામાં આવ્યા હતા. ફોન કરવાવાળા ખુદને અમેરિકાના ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ અથવા યુએસ સીટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના અધિકારી તરીકેની ઓળખ આપીને નાણાકીય ફ્રોડને અંજામ આપ્યો હતો. ડેટા બ્રોકર્સ પાસેથી મેળવવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને તમામ અમેરિકીઓને ચુકવણી ના કરવા પર ધરપકડ, દંડ અથવા અમેરિકાથી બહાર કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. પીડિતો આ ફ્રોડ કરવાવાળાની જાળમાં ફસાઈ ગયા અને એમની પસંદ પ્રમાણે પૈસાની ચુકવણી કરી હતી. આ પહેલા પણ ત્રણ ભારતીયોને આવા જ ફ્રોડ અને મની લોન્ડરિંગ સ્કીમ માટે સજા સંભળાવવામાં આવી હતી.