World Wrestling Championship/ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જીત્યો બ્રોન્ઝ, ભારતે બે મેડલ સાથે પુર્ણ કરી ચેમ્પિયનશિપ

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

Top Stories Trending Sports
7 24 કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જીત્યો બ્રોન્ઝ, ભારતે બે મેડલ સાથે પુર્ણ કરી ચેમ્પિયનશિપ

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો. આ પહેલા મહિલા રેસલર વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બજરંગે 65 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના સેબેસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો. અગાઉ, બજરંગને ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જોન ડાયકોમિહાલિસ સામે પરાજય મળ્યો હતો. ત્યારબાદ બજરંગ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યા અને જીત મેળવી.

રિપેચેજની પ્રથમ મેચમાં બજરંગે આર્મેનિયાના વેગેન ટેવનયાનને આકરા મુકાબલામાં હરાવ્યો હતો. બજરંગે તેના અભિયાનની શરૂઆત તેની પ્રથમ મેચમાં માથામાં ઈજા સાથે કરી હતી. તેમણે આખી ટુર્નામેન્ટમાં કંઈ ખાસ દેખાવ કર્યો ન હતો પરંતુ નિર્ણાયક ક્ષણોમાં તેમના અનુભવનો ઉપયોગ તેમના વિરોધીઓને હરાવવા અને ભારત માટે મેડલ જીતવા માટે પુરતો સાબિત થયો. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં 6-0થી પાછળ હતો. ત્યારબાદ બજરંગે વાપસી કરી હતી અને 11-9થી જીત મેળવી હતી.

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. બજરંગે 2013માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2019માં ફરીથી બ્રોન્ઝ જીત્યો હતો. બજરંગ પુનિયા આ વૈશ્વિક ઈવેન્ટમાં ચાર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ છે. ભારતે બે બ્રોન્ઝ મેડલ સાથે વિશ્વ કુસ્તી અભિયાનનો અંત કર્યો. બજરંગ પહેલા વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અગાઉ નિશા દહિયા (68 કિગ્રા), સાગર જગલાન (74 કિગ્રા) અને નવીન મલિક (70 કિગ્રા) બ્રોન્ઝ મેડલની નજીક આવ્યા હતા પરંતુ તેઓ પોતપોતાના મેડલ બાઉટ્સ ગુમાવ્યા હતા. જયારે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ રવિ દહિયાને ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. તે પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં હારી ગયો હતો. તેને વિનેશ અને બજરંગની જેમ રિપેચેજ રમવાની તક પણ ન મળી. ભારતે ગેકો-રોમન, ફ્રી સ્ટાઇલ અને મહિલા કુસ્તીની ત્રીસ કેટેગરીમાં ચેમ્પિયનશિપ માટે કુલ ત્રીસ કુસ્તીબાજોને મોકલ્યા અને માત્ર બે મેડલ જીત્યા.