Chadan: ચંદન ફક્ત એની મનમોહક સુગંધ માટે જ નહિ, પરંતુ એના ઔષઘીય ગુણો માટે પણ જાણીતું છે. તે ત્વચાને ચમકદાર તથા સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.
સદીઓ અને પૂર્વજોથી ત્વચાની સંભાળ માટે કુદરતી પધ્ધતિઓનો ઉપયોગ કરવાનું ચલણ છે. આપણા દાદી-નાનીના નુસખાઓમાં ચણાનો લોટ. મુલતાની માટી અને ચંદન જેવી સામગ્રીઓનો ખૂબ વધારે ઉપયોગ હંમેશાથી થતો આવ્યો છે અને આજની તારીખે પણ થઇ રહ્યો છે. આ કુદરતી સામગ્રીઓ પૈકી ચંદન ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવામાં અત્યંત ઉપયોગી ઘટક છે. ચંદન ફક્ત એની મનમોહક સુગંધ માટે જ નહિ, પરંતુ તેના ઔષઘીય ગુણો માટે પણ જાણીતું છે. તે ત્વચાને ચમકદાર તથા સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, ચંદન વધતી ઉમરના લક્ષણો, જેવા કે ચહેરા પરની બારીક રેખાઓ, કરચલીઓ અને ખીલ વગેરે સમસ્યાઓ સામે ત્વચાને રક્ષણ આપવામાં અત્યંત પ્રભાવી છે. ચંદનમાં રહેલા ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી તથા ઍન્ટીસેપ્ટિક ગુણો ત્વચાને શીતળતા પ્રદાન કરે છે અને સંક્રમણથી બચાવે છે.
ત્વચાની આ સમસ્યાઓમાં ચંદન છે ફાયદાકારક
શુષ્ક ત્વચા માટે: જો તમારી ત્વચા શુષ્ક છે તો આ પૅક તમારા માટે ખૂબ ઉપયોગી છે. 1 ચમચી ચંદનનો પાઉડર, 1 ચમચી મધ તથા થોડાક ટીપાં કાચું દૂધ. આ તમામ સામગ્રીને મિક્સ કરીને એક ચીકણી પૅસ્ટ જેવું બનાવો. આ પૅસ્ટ પોતાના ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખીને સૂકાવા દો. ઉત્તમ પરિણામ માટે આ પ્રક્રિયાને દર અઠવાડિયે એક વાર રીપિટ કરો.
ચમકદાર ત્વચા માટે: ત્વચાને ચમકદાર બનાવવા માટે 1 ચમચી ચંદન પાઉડર અને થોડા ટીપાં ગુલાબજળના લો. બંનેને મિક્સ કરીને એક જાડી પૅસ્ટ જેવું બનાવો. એને ચહેરા પર એકસરખી રીતે લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ, હળવા ગરમ પાણીથી ધોઇ લો. થોડા જ અઠવાડિયામાં તમને તમારી ત્વચામાં અનેરી ચમક અને ફરક દેખાશે.
તેલને કરે છે નિયંત્રિત: તૈલીય ત્વચા ધરાવતી વ્યક્તિઓ માટે આ એક સરસ પ્રયોગ છે. 1 મોટી ચમચી ચંદન પાઉડર અને કાકડીનો રસ લઇ, બંનેને મિક્સ કરીને એક જાડી પૅસ્ટ જેવું બનાવી લો. એને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આ પ્રયોગ ત્વચાની લાલિમાને નિખારે છે તથા ત્વચાની ખંજવાળ અને બળતરાને શાંત કરે છે.
