કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન કચ્છના પાટનગર ભુજમાં કોરોના વોરીયર્સ તરીકે ચર્ચામાં રહેલી મહિલા કોન્સ્ટેબલને એસપી દ્વારા સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સાથે ગેરવર્તન બદલ સજા અપાઈ છે. જો કે જે તે સમયે લેડી કોન્સ્ટેબલની થયેલી બહોળી પ્રસિદ્ધિ પણ આ પગલાં પાછળ કારણભૂત હોવાની ચર્ચા છે.
પશ્ચિમ કચ્છના ભુજ ખાતે લોકડાઉન સમયે બાળક સાથે ફરજ બજાવી કોરોના વોરીયર્સ તરીકે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેલી મહિલા કોન્સ્ટેબલના ગેરવર્તન અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત થતાં નવ નિયુક્ત એસપી સૌરભસિંઘ દ્વારા કડક એક્શન લઇને આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાખવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ મહિલા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા અલ્કાબેન દેસાઇ નામના મહિલા કર્મચારીને મહિલા પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સામે ગેરવર્તન કરતા હોવા બાબતે તેમના સામે કાર્યવાહી કરવા સબબ પશ્ચિમ કચ્છ પોલીસ વડા રજુઆત કરાઇ હતી. જેને પગલે અલ્કાબેનને સસ્પેડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
જોકે પોલીસબેડામાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે અલ્કાબેનદેસાઇ લોકડાઉન સમયે મહામારીની પરિસ્થિતીમાં ફરજને મહત્વ આપીને પોતાની 6 માસની બાળકીને સાથે રાખીને ડ્યુટી કરતા જોવા મળ્યા હતા. જેને લઇને તેઓ કોરોના વોરીયર્સ તરીકે ભારે ચર્ચામાં રહયા હતા. મીડિયામાં પણ તેઓની નોંધ લેવાઈ હતી. તેઓની પ્રસિધ્ધિ ઉપરી અધિકારીઓને ન ગમતા આ પગલાં ભરાયા હોવાનું માનવામાં આવે છે.
લોકડાઉન દરમિયાન રાઉન્ડમાં નીકળેલા તે સમયના આઈજીએ કોન્સ્ટેબલને દીકરી સાથે ફરજ બજાવતા જોતા ફરજનિષ્ઠા બદલ અભિનંદન આપી એક અધિકારીને ઠપકો આપી અલકાબેનને ફિલ્ડના બદલે ઓફિસનું કામ સોંપવા સૂચના આપી હતી. કદાચ આ કારણો પણ સસ્પેન્સન પાછળ કારણભૂત હોઈ શકે છે. અલ્કાબેન અને તેના પતિ ગૌતમભાઇ પણ ભુજ પોલીસમાં ફરજ બજાવે છે.
તાજેતરમાં નવનિયુકત થયેલા એસપી સૌરભસિંઘે જણાવ્યું કે, મેં તપાસના આધારે સસ્પેન્ડના પગલાં લીધા છે. તપાસ રિપોર્ટમાં લેડી કોન્સ્ટેબલ કસૂરવાર ઠરતા કાર્યવાહી કરાઈ છે. આ બાબતે અલકાબેનને પૂછતાં તેઓએ હાલમાં કઈ પણ કહેવાની અસમર્થતા દર્શાવી હતી.
કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
