ગુજરાત રાજ્યમાં આજથી લોક ડાઉન 4.0 નો નવા રૂપરંગ સાથે અમલ શરુ થઇ ચુક્યો છે. જેમાં ઘણી છુટ છાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું હતું કે, કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. નોન કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સવારના 8થી બપોરના 4 સુધી દુકાનો ખોલવાની છૂટ અપાશે. તે અનુસાર સુરત તંત્રએ કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.
શહેરના અલગ અલગ 43 ક્લસ્ટર ઝોન વિસ્તારોની યાદી જાહેર કરાઈ છે. જેમાં 16 લાખ 14 હજાર 458 લોકોનો ક્લસ્ટર વિસ્તારમાં સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં જાહેરનામા અન્વયે હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સુરતમાં કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં સેન્ટ્રલ ઝોનના 4, સાઉથ ઈસ્ટ ઝોનના 10 વિસ્તાર, ઈસ્ટ-એ ઝોનના 2 વિસ્તાર અને વરાછા ઝોન-એના 7 વિસ્તારોનો સમાવેશ કરાયો છે. જ્યારે સાઉથ વેસ્ટ ઝોનના 2 વિસ્તારો અને સાઉથ ઝોન રાંદેરના 4 અને સાઉથ ઝોન ઉધનાના 8 વિસ્તારો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથ ઝોન ઉધનાના 6, નોર્થ ઝોન કતારગામના 2 વિસ્તારો આમ, કુલ સુરતના 43 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જયારે બાકીના વિસ્તારો નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં જનજીવન રાબેતા મુજબ ધબકતું થશે. નોન કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સવારના 8થી બપોરના 4 સુધી દુકાનો ખોલી શકાશે.
