Ahmedabad News/ બાલવાટિકામાં વેક્સ મ્યુઝિયમ, બટરફ્લાય ગાર્ડનની ટિકિટનાં દર ઘટશે

Balvatika ના તમામ એક્ટિવિટીના ટિકિટ દર અગાઉ રિક્રિએશન કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા

Gujarat Ahmedabad
Balvatika

Ahmedabad News : કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આવેલું વર્ષો જૂનું બાલવાટિકા (Balvatika)પરિસર પીપીપી ધોરણે નવીનીકરણ બાદ આધુનિક સ્વરૂપમાં કાર્યરત થયું છે. નવી સજ્જતા સાથે બાલવાટિકા(Balvatika)માં ફન કાર્નિવલ થીમ પાર્ક શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં બાળકો માટે વિવિધ મનોરંજક એક્ટિવિટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરંતુ કેટલીક એક્ટિવિટીઓના ટિકિટ દર વધુ હોવાના કારણે મુલાકાતીઓ તરફથી નારાજગી વ્યક્ત થઈ હતી. ખાસ કરીને કેટલીક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લોકો આગળ આવતા ન હોવાથી સંચાલકોએ લોકઅભિપ્રાય મેળવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટિકિટના દર ઊંચા હોવાના કારણે પ્રતિસાદ ઓછો મળી રહ્યો છે.

નવીનીકરણ પામેલ બાલવાટિકા (Balvatika)ના તમામ એક્ટિવિટીના ટિકિટ દર અગાઉ રિક્રિએશન કમિટી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. તેથી દરમાં ઘટાડો કરવા માટે પણ બંને કમિટીની મંજૂરી આવશ્યક હોવાથી પ્રાણી સંગ્રહાલય ખાતાએ કમિશનર અને શાસક પક્ષ ભાજપની પૂર્વ મંજૂરી બાદ સત્તાવાર દરખાસ્ત તૈયાર કરી છે.

રિક્રિએશન કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત અનુસાર ફન કાર્નિવલ થીમ પાર્ક હેઠળની બે એક્ટિવિટીના દરમાં ઘટાડાની માંગ કરવામાં આવી છે. તેમાં બટરફ્લાય પાર્કની ટિકિટ 100 રૂપિયાથી ઘટાડીને 60 રૂપિયા કરવાનો તેમજ વેક્સ મ્યુઝિયમની ટિકિટ 130 રૂપિયાથી ઘટાડીને 80 રૂપિયા કરવાનો પ્રસ્તાવ સામેલ છે.

આ ઉપરાંત, શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા લો ગાર્ડનની પીપીપી ધોરણે દેખરેખ અને જાળવણીની જવાબદારી અગાઉ આસીમા લિમિટેડને સોંપવામાં આવી હતી. જોકે, કેટલાક કારણોસર હવે આ જવાબદારી યુએનએમ ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ દરખાસ્તમાં ઉલ્લેખાયું છે.

આ દરખાસ્ત પર રિક્રિએશન કમિટીની મંજૂરી મળ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.


આ પણ વાંચો : અમદાવાદના કાકરિયા સ્થિત બાલવાટિકાનું રિ-ડેવલપમેન્ટ કરાયું, 20થી વધુ નવા આકર્ષણો

આ પણ વાંચો : અમદાવાદમાં નવનિર્મિત બાલવાટિકા તૈયાર, એન્ટ્રી ફી રૂ. 50, વિવિધ 21 આકર્ષણોનો ટિકિટ દર હશે રૂ. 60થી 450

આ પણ વાંચો : અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ-2025નો આજથી ભવ્ય પ્રારંભ, સાત દિવસનો મનોરંજનનો મહાકુંભ