Mehsana News/ કેનેડા મોકલવાના નામે વકીલ પાસેથી 17.5 લાખની ઠગાઈ, વિઝા એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ

મહેસાણામાં (Mehsana) વિદેશ જવાની આશા સાથે વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. કેનેડા મોકલવાના વાયદા સાથે વિઝા એજન્ટે વકીલ પાસેથી 17.5 લાખ રૂપિયા લીધા બાદ ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ આરોપી સામે વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others
Mehsana

વિદેશ જવાની આશામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના મોટપ ગામમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા શંકરલાલ બાબુલાલ નાયીએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી ‘સીધવ એમેજીંગ – રાધે વિઝા’ નામની ઓફિસના સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ ધવલે દીકરીને વર્ક પરમિટ અપાવવાનો વાયદો કરી કુલ ખર્ચ રૂ. 33 લાખ થશે તેમ જણાવ્યું હતું.

 

પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ મોકલી ઠગાઈ

વિશ્વાસ રાખીને વકીલે એજન્ટને એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન RTGS, ઓનલાઈન ટ્રાન્સફર અને રોકડ મારફતે કટકે-કટકે કુલ રૂ. 17.50 લાખ ચુકવ્યા હતા. વિશ્વાસ જમાવવા માટે એજન્ટે દીકરીના મોબાઈલ પર કેનેડાના વિઝા મંજૂર થયા હોવાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ પણ મોકલી હતી.

પૈસા મળ્યા બાદ એજન્ટ ઓફિસ બંધ કરી મહેસાણાથી (Mehsana) ગાયબ

પૈસા મળ્યા બાદ એજન્ટ ધવલ પટેલ પોતાની ઓફિસ બંધ કરીને ગાયબ થઈ ગયો હતો. તપાસ કરતા વકીલને જાણવા મળ્યું હતું કે ધવલ પટેલ સામે અગાઉ પણ વિઝા ફ્રોડના કેસ નોંધાયેલા છે. એજન્ટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 સુધીમાં પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ રકમ ન મળતા અંતે વકીલે મહેસાણા તાલુકા પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા મામલાની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે ડેલિગેશન સાથે ઉદ્યોગ અને સ્કીલ ડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા કરી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો:નારોલમાં ડુંગળીની આડમાં ગાંજાની હેરાફીરી, 400 કિલો ગાંજો સાથે બે આરોપી ઝડપાયા