Ahmedabad News: અમદાવાદમાં સીઝનનો સંપૂર્ણ વરસાદ થઈ ગયો છે. 29મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં સીઝનનો 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આમા આ વખતની વરસાદની ખાસિયત એ હતી કે છેલ્લા છ જિવસમાં જ સીઝનનો 40 ટકા વરસાદ વરસ્યો હતો.
આમ વરસાદે છેલ્લા છ દિવસ રીતસરની ટી20ની જેમ બેટિંગ કરી હતી. આ પહેલા 24 ઓગસ્ટ સુધી સીઝનનો ફક્ત 60 ટકા વરસાદ જ પડ્યો હતો અને આ ઘટ પૂરી કેમ થશે તેની ચિંતા હતી. તેના બદલે હવે ઘટ તો બાજુએ રહી પણ અમદાવાદમાં હવે ભરાયેલા પાણી ઓસરશે ક્યારે તેની ચિંતા છે.
ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં અડધો ઈંચ વરસાદ પડ્યો તેમાં રામોલ, ચકુડિયા, ઉસ્માનપુરા, ચાંદખેડા, વાસણા બેરેજ, બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, સરખેજ, જોધપુર ઝોનલ, બોપલ, દુધેશ્વર, નરોડા, મણિનગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ઝોન પ્રમાણે જોવામાં આવે તો વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનમાં અડધા ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાંથી ચોમાસાની વર્તમાન સિઝનમાં નરોડામાં સૌથી વઘુ 53 ઈંચ, મણિનગરમાં 44 ઈંચ, ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાં જોઈએ તો વડોદરા (Vadodara) શહેરમાં 30 ફૂટે પહોંચેલું પાણી ઓછું થવા લાગ્યું છે અને આ સ્તર 26 ફૂટે પહોંચ્યું છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 13 મૃતદેહો (Deadbody) મળી આવ્યા છે. આ આંકડો હજુ વધી શકે છે. આ ઉપરાંત પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં ત્રણ દિવસ સુધી અંતિમ સંસ્કાર થઈ શક્યા નથી.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ નુકસાનની સ્થિતિ સામે આવવા લાગી છે. હાલમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએથી 13 મૃતદેહો મળી આવ્યા છે. બીજી તરફ ત્રણ દિવસથી એકપણ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા નથી. તેથી આજે સ્મશાનગૃહમાં મૃતદેહોની કતાર લાગી શકે છે.
આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી
આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ
આ પણ વાંચો: અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ
