Patan News : પાટણ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેરી તથા દૂધની બનાવટ સાથે સંકળાયેલા એકમો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની સંયુક્ત ટીમે કરેલી કાર્યવાહી (Food Safety Action)માં અસ્વચ્છ છાશ ( Buttermilk)નો મોટો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલી તપાસમાં કુલ 2 એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
લાયસન્સ વિના ચાલતા એકમમાં 10 હજાર લીટર છાશ મળી
પાટણ-સિદ્ધપુર હાઈવે પર આવેલી સુભાષનગર સોસાયટી વિસ્તારમાં તંત્રની ટીમે એક એકમ (Dairy Unit)માં તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ, અહીં વંશી કુમાર પટેલ દ્વારા જરૂરી FSSAI લાયસન્સ (FSSAI License)વિના એકમ ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી.

તપાસ દરમિયાન ટીમને મોટી માત્રામાં છાશનો જથ્થો (Buttermilk Seized)મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, વેસ્ટ છાશનો ઉપયોગ કરીને નવી છાશ, માખણ અને ક્રીમ જેવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવતા હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.
રૂ. 3 લાખની કિંમતનો જથ્થો જપ્ત
તંત્રની કાર્યવાહી દરમિયાન અંદાજે 10 હજાર લીટર અસ્વચ્છ છાશ (Contaminated Buttermilk) જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 3 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જપ્ત કરાયેલી છાશનો STP ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
દૂધ ખરીદીના રેકોર્ડની પણ તપાસ
તપાસ દરમિયાન એકમમાં દૂધની ખરીદી સંબંધિત જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું હતું. તંત્ર દ્વારા એકમમાં તૈયાર થતા ઉત્પાદનો, ઉપયોગમાં લેવાતા કાચા માલ અને જરૂરી લાઇસન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણમાં નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. સમગ્ર મામલે લેબોરેટરી રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
