New Delhi News: દેશમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ (Rain)ની ઘટ હોવાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય કરતાં 12.6 ટકા ઓછો વરસાદ નોંધાતા 2026નું ચોમાસું ઇતિહાસનું 13મું સૌથી કોરું ચોમાસું બની ગયું છે. ગુજરાત અને પંજાબ સહિત 11 રાજ્યોમાં વરસાદની ઘટ રહી છે.
43% જિલ્લાઓમાં ઓછો Rain
મળતી માહિતી મુજબ, ચોમાસું 2026 સામાન્યથી 12.6 ટકા ઓછા વરસાદ સાથે પૂરું થવા આવ્યું છે. દેશના 43 ટકા જિલ્લાઓમાં આ વર્ષે 20 થી 72 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પંજાબ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat) અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. બીજી બાજુ, પૂર્વ ભારતના ઓડિશામાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે દેશમાં વરસાદનું વિતરણ ઘણું અસમાન રહ્યું. ક્યાંક વરસાદની ઘટ જોવા મળે છે, તો ક્યાંક સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
છેલ્લા સપ્તાહમાં ચોમાસાનું પુનરાગમન
દેશમાં ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી, પરંતુ સીઝન પૂરી થવાની ઠીક પહેલાં ચોમાસાએ ફરી પુનરાગમન કર્યું. એક સપ્તાહ પહેલાં વરસાદની ઘટ 15 ટકા હતી, જે બુધવારે સીઝન પૂરી થતાં ઘટીને 12.6 ટકા થઈ. એટલે કે છેલ્લા સપ્તાહમાં લગભગ 2.5 ટકાની ઘટ પૂરી થઈ, પરંતુ તેમ છતાં દેશમાં વરસાદની ઘટ યથાવત રહી છે.
ઇતિહાસના સૌથી કોરા ચોમાસા

આંકડા મુજબ, સૌથી કોરું ચોમાસું 1972નું હતું, જ્યારે 22.3 ટકા ઓછો વરસાદ (Rainfall Deficit)પડ્યો હતો. ત્યારબાદ 2002માં 20.9 ટકા અને 1965માં 18.6 ટકાની ઘટ રહી હતી. આ યાદીમાં 2026નું ચોમાસું 12.6 ટકાની ઘટ સાથે 13મા ક્રમે છે. એટલે કે ઇતિહાસના સૌથી નબળા ચોમાસામાં આ વર્ષની ગણતરી થઈ ગઈ છે.
હિંદ મહાસાગર અને અલ નીનોની અસર
એક રિપોર્ટ અનુસાર, ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD) એટલે કે હિંદ મહાસાગર (Indian Ocean)ના તાપમાનની સ્થિતિ અને અલ નીનો (El Nino) ની અસર ચોમાસા પર મહત્વની રહે છે. અલ નીનોમાં પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે, જેની અસરથી ભારતમાં વરસાદ ઘટવાની શક્યતા વધી જાય છે. આ બંને પરિબળો ભારતમાં વરસાદની વધ-ઘટમાં મહત્વના સાબિત થાય છે.
જળાશયોની સ્થિતિ અને આગળનો પડકાર
24 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ, દેશના 150 પ્રમુખ જળાશયોમાં ક્ષમતાના લગભગ 71 ટકા પાણી ભરાયેલું છે. ઓછા વરસાદની અસર પીવાના પાણી, ખેતી અને વીજળી ઉત્પાદન પર પડી શકે છે. ખાસ કરીને રવિ પાક માટે પાણીનું આયોજન જરૂરી બનશે. ત્યારે સિંચાઈ અને પીવાના પાણી માટે સરકાર શું પગલાં લે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો:ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર
