Gujarat news : કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. કોંગ્રેસે કચ્છ-સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત (Drought-stricken0 જાહેર કરવાની માગ સાથે સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી વરસાદ ન પડતાં ખેતી અને પશુપાલન પર ગંભીર અસર થઈ છે.
સૌરાષ્ટ્ર- કચ્છને Drought-stricken જાહેર કરવા માગ
કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસાથે આશરે 50 જેટલી જગ્યાએ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેતરોમાં સુકાઈ ગયેલા પાક અને ખેતપેદાશો યજ્ઞમાં હોમીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમને ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. પક્ષનું કહેવું છે કે વરસાદની અછત (Rainfall Deficit)ને કારણે ખેડૂતો સામે ગંભીર સંકટ ઊભું થયું છે.
વરસાદની ઘટથી પાક અને પશુપાલન પર અસર
કોંગ્રેસના જણાવ્યા મુજબ દ્વારકા જિલ્લામાં 88 ટકા, પોરબંદરમાં 72 ટકા અને કચ્છમાં આશરે 60 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ વરસાદની અછતને કારણે પાકને નુકસાન થવાની સાથે પશુપાલન ક્ષેત્ર પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસે સરકારને તાત્કાલિક રાહત પગલાં ભરવાની માગ કરી છે.
ચર્ચા કરવા માટે નોટિસ આપી
વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ મુદ્દે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા કરવા માટે નોટિસ પાઠવી છે. તેમણે નિયમ 116 હેઠળ નોટિસ આપીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે.
ખેડૂતો માટે ત્રણ મોટી માંગ
કોંગ્રેસે ખેડૂતોનું પાક ધિરાણ (Crop Loan Waiver) સંપૂર્ણપણે માફ કરવાની માગ કરી છે. સાથે જ ‘સૌની યોજના’ (SAUNI Yojana) મારફતે ખાલી પડેલા ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરો માટે ગામડાંઓમાં તાત્કાલિક રાહત કામો (Relief Work) શરૂ કરવાની પણ માગ કરવામાં આવી છે.
કોંગ્રેસે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને રાહત આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ
આ પણ વાંચો: ચોમાસું વિદાય તરફ, છતાં ગુજરાતમાં વરસાદની ઘટ; સપ્ટેમ્બર પર સૌની નજર
આ પણ વાંચો:ગુજરાતમાં 17 જિલ્લામાં વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા-જામનગરમાં પાક સુકાતા ખેડૂતો પર સંકટ
