Gujarat News/ ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસોમાં ચોંકાવનારો વધારો, 125 મહિલાઓએ ગુમાવ્યો જીવ

આંકડા મુજબ વર્ષ 2024 દરમિયાન ગુજરાત (Gujarat) માં ઘરેલુ હિંસાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે

Top Stories Gujarat
Gujarat

Gujarat News: ગુજરાતમાં એક તરફ મહિલા સશક્તિકરણ અને ‘નારીશક્તિ’ના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહિલાઓ સામેના ગુનાઓ અને ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ અને સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં દહેજ, ઘરેલુ હિંસા અને મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

દહેજના કારણે 125 મહિલાઓના મોતનો આક્ષેપ

અહેવાલ મુજબ વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં દહેજની માંગણીને કારણે 125 યુવતીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લગ્નસંબંધિત હેરાનગતિ અને ઘરેલુ ત્રાસના અનેક બનાવો પણ નોંધાયા છે.

મહિલાઓ સામેના ગુનાઓમાં 33% સુધીનો વધારો

આંકડાઓ મુજબ વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામે થતા ગુનાઓમાં લગભગ 33 ટકા જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ સંબંધિત કેસોમાં વધારો ચિંતાજનક છે.

લગ્નસંબંધિત ગુનાઓ અને અપહરણના કેસ

રાજ્યમાં લગ્નસંબંધિત ગુનાઓ હેઠળ 486 યુવતીઓના અપહરણના કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત અનેક પરિવારોમાં મહિલાઓને દહેજની માંગણી અને અન્ય કારણોસર માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો છે.

પતિ અત્યાચારના હજારો કેસ

પોલીસ રેકોર્ડ મુજબ પતિ દ્વારા થતા અત્યાચારના 9182 જેટલા કેસ નોંધાયા છે. જેમાં મારપીટ, માનસિક ત્રાસ, શાબ્દિક અપમાન અને આર્થિક શોષણના મામલાઓ સામેલ છે.

ઘરેલુ હિંસા અધિનિયમ છતાં કેસોમાં વધારો

‘ઘરેલુ હિંસા અધિનિયમ-2005’ હોવા છતાં મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં ઘટાડો જોવા મળતો નથી. વિશેષજ્ઞોના મતે કાયદાનો કડક અમલ ન થવો અને સમયસર ન્યાય ન મળવો આ સ્થિતિનું મુખ્ય કારણ બની રહ્યું છે.

181 અભયમ હેલ્પલાઇન પર લાખો કોલ

સરકારી યોજના ‘181 અભયમ’ હેલ્પલાઇન પર વર્ષ 2024 દરમિયાન 1.68 લાખથી વધુ કોલ આવ્યા હતા, જેમાંથી લગભગ 40 ટકા કેસ ઘરેલુ હિંસા સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.

વિકાસ વચ્ચે સુરક્ષા પર સવાલ

શહેરો અને ગામોમાં વિકાસના દાવાઓ વચ્ચે મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સતત વધતા આંકડાઓ રાજ્યમાં મહિલા સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિકતા પર ચર્ચા ઊભી કરી રહ્યા છે.

કડક કાર્યવાહીનો અભાવ જ મુખ્ય કારણ!

વિશેષજ્ઞોના મતે, કાયદા હોવા છતાં તેનો કડક અમલ અને સમયસર કાર્યવાહીનો અભાવ પણ આવી ઘટનાઓ વધવાનું એક મુખ્ય કારણ છે. મહિલા સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન સ્તરે તેની અસર મર્યાદિત દેખાઈ રહી છે.

મહિલા સુરક્ષા અને સશક્તિકરણના દાવાઓ વચ્ચે વધતા ઘરેલુ હિંસાના આંકડા રાજ્ય માટે ચિંતાનો વિષય બન્યા છે. હવે સવાલ એ છે કે, શું માત્ર અભિયાનો અને સૂત્રોથી મહિલાઓ સુરક્ષિત બનશે કે પછી તંત્રને વધુ કડક અને અસરકારક પગલાં ભરવાની જરૂર છે?


આ પણ વાંચો: ગુજરાતના ગ્રામ્ય રસ્તાઓની ગુણવત્તા પર સવાલ,કેન્દ્રીય રિપોર્ટમાં PMGSY કામોમાં ખામીઓનો ખુલાસો

આ પણ વાંચો: રાજકોટમાં જમીન મામલે પૌત્રએ દાદાની કરી હત્યા

આ પણ વાંચો: દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ