Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા માત્ર 15 વર્ષના પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયાનું ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે અચાનક હૃદયરોગના હુમલાથી (Student Heart Attack) મોત થયું હતું. રસ્તામાં મોપેડનું પેટ્રોલ ખૂટી જતાં તેને મોપેડ દોરવાની ફરજ પડી હતી. આ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતાં તે રસ્તા પર ઢળી પડ્યો હતો. સાથી વિદ્યાર્થીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
Student Heart Attack: ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો વિદ્યાર્થી
મળતી માહિતી મુજબ, જેતપુરનો 15 વર્ષીય પૂર્વ દિવ્યેશ મહાલીયા ધોરણ-10માં અભ્યાસ (15 Year Old Student Death) કરતો હતો. રોજિંદા ક્રમ મુજબ તે સાંજના સમયે ટ્યુશન પૂરું કરીને મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. પૂર્વ સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ હતા. જોકે ઘરે પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેની મોપેડનું પેટ્રોલ ખૂટી ગયું હતું અને સમગ્ર ઘટના અચાનક કરૂણ વળાંક લઈ ગઈ હતી.
મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં પૂર્વે તેને દોરીને આગળ લઈ જવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેને શારીરિક શ્રમ કરવો પડ્યો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પૂર્વને અગાઉથી હૃદય સંબંધિત તકલીફ હતી અને વધુ પડતો શારીરિક શ્રમ ન કરવાની તબીબોએ સલાહ આપી હતી. મોપેડ દોરતી વખતે અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો.
રસ્તા પર જ અચાનક ઢળી પડ્યો
છાતીમાં દુખાવો થતાં પૂર્વ રસ્તા પર જ અચાનક ઢળી પડ્યો હતો. તેની સાથે રહેલા સાથી વિદ્યાર્થીઓએ તેને આ સ્થિતિમાં જોતા તરત જ મદદ માટે દોડ લગાવી હતી.વિદ્યાર્થીઓએ સમય ગુમાવ્યા વિના પૂર્વને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

હૃદય માત્ર 30 ટકા જ કામ કરતું હોવાનો પરિવારનો દાવો
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પૂર્વનું હૃદય અગાઉથી જ નબળું હતું અને માત્ર આશરે 30 ટકા કાર્ય કરતું હતું. આ સ્થિતિને કારણે તબીબોએ તેને સખત શારીરિક શ્રમ અને ભારે વજન ઉઠાવવાથી દૂર રહેવાની સલાહ આપી હતી. મોપેડમાં પેટ્રોલ ખૂટી જતાં તેને તેને દોરવાની ફરજ પડી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન પડેલા શારીરિક શ્રમ બાદ તેની તબિયત અચાનક લથડી હતી.
પરિવારનું એકમાત્ર સંતાન હતું પૂર્વ
પૂર્વ પરિવારનું એકમાત્ર સંતાન હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવારમાં ઉછરેલા પૂર્વના અચાનક અવસાનથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. જે બાળક થોડા સમય પહેલાં જ ટ્યુશન માટે ઘરેથી નીકળ્યું હતું, તેના મોતના સમાચાર મળતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
માત્ર 15 વર્ષની ઉંમરે વિદ્યાર્થીનું ( Jetpur Student) અચાનક મોત થતાં જેતપુર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી છે. અભ્યાસ કરતા કિશોરના અચાનક થયેલા અવસાનથી તેના મિત્રો, પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: વેઈટરને અચાનક હાર્ટ એટેક, ઊંઝાના પટેલ પરિવારે CPR આપી બચાવ્યો જીવ
આ પણ વાંચો: જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, જાણો સંચાલકોના જામીનનું શું થયું
આ પણ વાંચો: દિવાળી શોપિંગ પહેલાં જાણી લો! સુરતમાં કાપડના ભાવ વધવાની શક્યતા, જાણો કારણ
