Gandhinagar News : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના ચોમાસુ સત્રના અંતિમ દિવસે વેપારીઓ અને ભાડૂતોને અસર કરતા બે મહત્વના સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business) અને ભાડા સંબંધિત સુધારા બાદ રાજ્યમાં વેપાર-ધંધાને લઈને કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થયો છે.નવા નિયમ મુજબ મોલ, રેસ્ટોરન્ટ-હોટલ, કાફે અને દુકાનો જેવા એકમોને હવે 24 કલાક (24 Hours Shops)કામગીરી કરવાની છૂટ મળશે. અગાઉ કેટલાક ચોક્કસ વિસ્તારો અને એકમોને જ રાત્રિના સમય દરમિયાન કામગીરી કરવાની મંજૂરી હતી.
રાત્રિના વેપાર માટેના સમયના નિયમોમાં છૂટ
અગાઉ મહાનગરપાલિકા વિસ્તાર, હોસ્પિટલો, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં જ 24 કલાક કામગીરી(24 Hours Shops)ની મંજૂરી હતી. જ્યારે અન્ય વિસ્તારોમાં દુકાનોને રાત્રિના ચોક્કસ સમય બાદ બંધ રાખવાની જોગવાઈ હતી.
હવે આ સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે વેપારીઓએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી જાળવવાની રહેશે. નિયમોના ઉલ્લંઘનને કારણે થતી અસુવિધા ટાળવાની જવાબદારી પણ એકમ સંચાલકોની રહેશે.
કામદારોના હકોમાં કોઈ ફેરફાર નહીં
24 કલાક કામગીરીની મંજૂરી મળ્યા છતાં કર્મચારીઓના હકોને લઈને રહેલી જોગવાઈઓ યથાવત્ રાખવામાં આવી છે. કામદારોને રજા, કામના સમય અને સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.
ગુમાસ્તા કાયદા (Gumasta Act) હેઠળ નોંધણી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે.
મકાન માલિકો માટે ડિપોઝિટનો નવો નિયમ
ભાડા સુધારા વિધેયકમાં મકાન માલિકો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હવે મકાન માલિક ત્રણ મહિનાથી વધુના ભાડા જેટલી ડિપોઝિટ લઈ શકશે નહીં. આ નિર્ણયથી ભાડે મકાન, ઓફિસ કે અન્ય મિલકત લેનારા લોકો પરનો નાણાકીય બોજ ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ બંને સુધારા સાથે રાજ્ય સરકાર દ્વારા વેપાર માટેની પ્રક્રિયા સરળ બનાવવાની અને ભાડૂતોના હિતોને સુરક્ષિત કરવાની દિશામાં પગલું લેવામાં આવ્યું છે.
