Gandhinagar News/ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વંદે માતરમ પર વિવાદ, કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા બેસી જતા ભાજપનો વિરોધ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session)ના પ્રથમ દિવસે જ વંદે માતરમ દરમિયાન કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ સર્જાયો. ભાજપે આ ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો, જ્યારે સત્રમાં અનેક મહત્વના કાયદાકીય સુધારાની જાહેરાત પણ થઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Assembly Monsoon Session: વંદે માતરમ દરમિયાન ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ, જાણો સત્રના મોટા નિર્ણયો

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session)ની શરૂઆત જ રાજકીય ગરમાવો સાથે થઈ છે. ગૃહની પરંપરા મુજબ સત્રના પ્રારંભે વંદે માતરમ્નું ગાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જતા વિવાદ સર્જાયો હતો. ઘટનાને લઈને સત્તાપક્ષના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે જો ખેડાવાલા ભૂલથી બેસી ગયા હોય તો તેમણે માફી માંગવી જોઈએ. સાથે જ તેમણે આ મામલે સ્પષ્ટતા કરવાની માગ કરી હતી કે તેઓ જાણી જોઈને બેઠા હતા કે ભૂલથી.

પ્રવિણ માળીએ કહ્યું- ‘ભૂલથી થયું હોય તો માફી માંગે’

મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે વંદે માતરમ દરમિયાન ધારાસભ્યનું બેસી જવું માતૃભૂમિ અને રાષ્ટ્રગીતના અપમાન સમાન છે. તેમના જણાવ્યા મુજબ, આ અંગે ગૃહમાં રજૂઆત કરવામાં આવશે અને સંસદીય પ્રક્રિયા પ્રમાણે આગળની કાર્યવાહી થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં વિધાનસભા (Gujarat Assembly Monsoon Session)ના ગૃહમાં આવી ઘટના બની હોવાનું જોવા મળ્યું નથી. તેથી સમગ્ર મામલે સ્પષ્ટતા જરૂરી છે.

મહેશ કસવાલાએ પણ ઘટનાને દુઃખદ ગણાવી

ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે વિધાનસભા (Gujarat Assembly Monsoon Session) લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાના અપમાન સમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળીને આ મુદ્દે રજૂઆત કરશે અને કોંગ્રેસે પણ આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

શોક પ્રસ્તાવ બાદ ગૃહ આવતીકાલ સુધી સ્થગિત

સત્ર દરમિયાન શોક પ્રસ્તાવ રજૂ થયા બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભા (Gujarat Assembly Monsoon Session)ના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી. હવે ગૃહની કાર્યવાહી 10 સપ્ટેમ્બરના બપોરે 12 વાગ્યે ફરી શરૂ થશે.

Gujarat Assembly Monsoon Session: સત્ર પહેલા કોંગ્રેસના ધરણાં, ખેડૂતો અને મોંઘવારીના મુદ્દે સરકાર સામે વિરોધ

વિધાનસભા (Gujarat Assembly Monsoon Session)નું સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Gujarat Assembly Monsoon Session: આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે જોડાયા હતા.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો પણ ખેડૂતોના મુદ્દે આક્રમક જોવા મળ્યા હતા. તેઓ ઘાસના પૂડા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા (Gujarat Assembly Monsoon Session) તરફ જવા નીકળ્યા હતા. જોકે પોલીસે તેમને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

ખેડૂતોને 8 નહીં, હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વરસાદની સ્થિતિને કારણે ખેતી ક્ષેત્રે વીજળીની માગ વધતા ખેડૂતોને આપવામાં આવતો વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વીજળીની વધતી માગને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધારાની વીજળી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદની અછત અને કૃષિ ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી બોલ્યા- પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા સરકાર તૈયાર

વિધાનસભા (Gujarat Assembly Monsoon Session)નું સત્ર શરૂ થાય તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ત્રણ દિવસીય સત્ર દરમિયાન સરકારી બિલોની સાથે પ્રજાના પ્રશ્નો પર પણ ચર્ચા થશે. તેમણે કહ્યું કે ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો ગૃહમાં રજૂ કરી શકે અને સરકાર તે પ્રશ્નોના જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને સારી ચર્ચા થાય તે માટે સરકાર તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુમાસ્તા ધારામાં મોટો ફેરફાર: દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમો 24 કલાક ખુલ્લા રાખી શકાશે

ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session) દરમિયાન સરકાર ગુમાસ્તા ધારામાં મહત્વનો સુધારો કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત ફેરફાર બાદ દુકાન, મોલ, હોટલ-રેસ્ટોરન્ટ, કાફે, ગેરેજ, શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમોને 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી મળી શકે છે. હાલમાં કેટલીક ચોક્કસ જગ્યાઓ સિવાયના વિસ્તારોમાં દુકાનો અને વ્યવસાયિક એકમો માટે રાત્રિના સમયે બંધ રાખવાની જોગવાઈ છે. નવા સુધારા બાદ આ મર્યાદા દૂર કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જોકે, વ્યવસાયિક એકમોએ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી સહિતની જરૂરી બાબતોનું પાલન કરવું પડશે. સાથે જ કામદારોના રજા અને અન્ય કાયદાકીય હકો યથાવત રહેશે.

સેલ્ફ ડેક્લેરેશનથી નોંધણી, ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની તૈયારી

ગુમાસ્તા ધારામાં નોંધણીની પ્રક્રિયાને પણ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. દુકાન સહિતના વ્યવસાયિક એકમોની નોંધણી માટે સેલ્ફ ડેક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની જોગવાઈ હોવાથી વેપારીઓ માટે નોંધણીની પ્રક્રિયા સરળ બનવાની શક્યતા છે.

સરકારી ફરિયાદોનો સમયસર નિકાલ નહીં થાય તો અરજી આપોઆપ અપીલમાં જશે

નાગરિકોની સરકારી સેવા અને ફરિયાદોના નિકાલને લઈને પણ મહત્વનો ફેરફાર સૂચવાયો છે. ફરિયાદ અથવા સરકારી સેવાની અરજીનો નિકાલ નિયત સમયમર્યાદામાં નહીં થાય તો તે આપમેળે અપીલ તરીકે ટ્રાન્સફર થઈ જશે. નાગરિકને વારંવાર સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે ફરિયાદના નિકાલની માહિતી SMS અથવા અન્ય ડિજિટલ માધ્યમથી લેખિતમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ફાયર સેફ્ટીમાં સ્થાનિક કાયદાને મહત્વ

બિલ્ડિંગની ફાયર સેફ્ટી અંગે પણ સરકાર દ્વારા ફેરફારની જોગવાઈ કરવામાં આવી રહી છે. હવે કેન્દ્રના નેશનલ બિલ્ડિંગ કોડની જગ્યાએ ગુજરાતના સ્થાનિક કાયદા અને બિલ્ડિંગ બાય-લોઝને અનુરૂપ જોગવાઈઓ લાગુ કરવાની દિશામાં ફેરફાર કરવામાં આવશે. આ સુધારાથી ફાયર સેફ્ટીના નિયમોમાં રહેલી ગૂંચવણ ઓછી થશે અને બિલ્ડરો તથા મિલકત માલિકો માટે ફાયર NOC સંબંધિત પ્રક્રિયા સરળ બનવાની સરકારની દિશા છે.

અન્ય રાજ્યના ડોક્ટરો માટે ગુજરાતમાં નોંધણી સરળ બનશે

ગુજરાતમાં બહારના રાજ્યમાંથી આવતા ડોક્ટરો માટે પણ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારી છે. પ્રસ્તાવિત ફેરફાર બાદ અન્ય રાજ્યના માન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરોએ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે અલગથી પૂર્વ મંજૂરી અથવા વધારાની ફી આપવાની જરૂર નહીં રહે તેવી જોગવાઈ કરવામાં આવી રહી છે. ડોક્ટરે પોતાની માન્ય ડિગ્રી અંગે Self-Declaration આપવાનું રહેશે અને ત્યારબાદ રજિસ્ટરમાં નામ નોંધાવવાની પ્રક્રિયા કરવામાં આવશે. જોકે સ્થાનિક મેડિકલ કાઉન્સિલના અન્ય લાગુ નિયમોનું પાલન કરવું પડશે.

ટુકડા જમીનના જૂના વ્યવહારો નિયમિત કરવાની તૈયારી

રાજ્ય સરકાર ટુકડા જમીન ધારા-1947માં પણ મહત્વનો સુધારો લાવવા જઈ રહી છે. પ્રસ્તાવિત જોગવાઈ હેઠળ 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ થયેલા કેટલાક જમીન વિભાજન અથવા ટ્રાન્સફરના વ્યવહારોને દંડ કે પ્રીમિયમ વિના નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

શહેરી વિસ્તારોમાં વારસાગત રીતે જમીનના નાના ટુકડા થયા હોય અને તેના કારણે બિનખેતી પ્રક્રિયા અટકેલી હોય તેવા ખાતેદારોને આ નિર્ણયથી રાહત મળવાની શક્યતા છે. આ પ્રકારના કેસો અંગે અદાલત અથવા સક્ષમ અધિકારી સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી અંગે પણ પ્રસ્તાવિત કાયદામાં જોગવાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત, સરકારને સ્થાનિક સ્તરે ‘સ્ટાન્ડર્ડ એરિયા’ નક્કી કરવાની સત્તા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

ચોક્કસ શરતો હેઠળ જમીનની મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે

જમીનના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે કેટલીક ચોક્કસ શરતો પૂર્ણ થતી હોય તો મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરવાની વ્યવસ્થા લાવવાની તૈયારી છે.

આ માટે મુખ્ય ત્રણ શરતો રહેશે:

વેચાણ દસ્તાવેજ પહેલાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં ફેરફાર થયેલો ન હોવો જોઈએ.

રેકોર્ડ ઓફ રાઇટ્સમાં રહેલા તમામ હિતધારકોના નામે વેચાણ દસ્તાવેજ થયેલો હોવો જોઈએ.

વેચાણ સમયે જમીન અંગે સક્ષમ સત્તા, કોર્ટ અથવા ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ વિવાદ કે કાર્યવાહી પેન્ડિંગ ન હોવી જોઈએ.

કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા સક્ષમ સત્તાના હુકમ કે ડિક્રીના આધારે થતી મ્યુટેશન એન્ટ્રી માટે પણ જોગવાઈ કરવામાં આવશે.

Gujarat Assembly Monsoon Session: સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

બીજી તરફ, બુધવારે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાવાની છે. વિધાનસભાના ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session) વચ્ચે યોજાનારી આ બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ બિલ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્યમાં વરસાદની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા, ખરીફ પાકનું વાવેતર અને ખેડૂતોની સ્થિતિ અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.આમ, ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Monsoon Session)ના ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session)ના પ્રથમ દિવસે જ એક તરફ વંદે માતરમ દરમિયાન થયેલા વિવાદથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, તો બીજી તરફ સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં સુધારા અને ખેડૂતોને વધારાની વીજળી જેવા મહત્વના મુદ્દાઓ પણ સામે આવ્યા છે.


આ પણ વાંચો:આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો થશે પ્રારંભ

આ પણ વાંચો:રાજ્ય વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર

આ પણ વાંચો:આજથી 4 દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર,વિધાનસભાનાં ચોમાસુ સત્રમાં એક દિવસ વધારાયો