Gujarat News : ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon)ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 159 તાલુકામાં વરસાદ (Rain)નોંધાયો છે. જેમાં વલસાડમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ (Valsad Rain) વરસ્યો છે. નવસારીના ખેરગામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 23 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 41 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન 1 મિમીથી લઈને અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
બંગાળની ખાડીનું ડિપ્રેશન સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. મોન્સૂન ટ્રફ અને શિયર ઝોનની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે.
અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાંની આગાહી
અમદાવાદ શહેરમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે સ્પેલમાં વરસાદ પડી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 29.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં 12 અને 13 ઓગસ્ટ દરમિયાન 2 મિમી વરસાદ નોંધાયો હતો. 1 જૂનથી અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 583.2 મિમી નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 93.9 મિમી વધુ છે.
તાપમાનમાં પણ જોવા મળ્યો ફેરફાર

વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં તાપમાનમાં પણ મિશ્ર સ્થિતિ જોવા મળી છે. દમણમાં 34°C સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટમાં 33.2°C અને ભૂજમાં 32.6°C તાપમાન નોંધાયું હતું.
સુરતમાં 28.5°C સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર અને અમરેલીમાં 24°C લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 25.8°C નોંધાયું હતું.
હવામાન વિભાગની તારીખવાર આગાહી
14 ઓગસ્ટ
પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે.
15 ઓગસ્ટ
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ અનેક સ્થળોએ વરસાદની આગાહી (Rain Forecast)છે.
16થી 19 ઓગસ્ટ
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ (Rain)અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
20થી 22 ઓગસ્ટ
આ સમયગાળા દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે.
ખેડૂતો અને નાગરિકો માટે સાવચેતી
ગાજવીજ સાથે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા મેદાન, વૃક્ષો અને વીજપોલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી; કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો: દેશમાં ચોમાસાનો કહેરઃ ક્યાંક રસ્તાઓ બન્યા નદી, તો ક્યાંક ઘરોમાં ઘૂસ્યા પાણી, રેસ્ક્યૂ ઓપરેશન તેજ
