Surat News: સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેમનું સરઘસ કાઢવાના મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં 14 ઓગસ્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક વલણ અપનાવતા ઘટનામાં સામેલ DCP રાજદીપસિંહ નકુમ (Surat DCP Rajdeep Nakum)ને હાલના હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે જણાવ્યું કે DCP નકુમ ઉચ્ચ અધિકારી હોવાથી તેમને એ જ જગ્યાએ રાખીને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવી મુશ્કેલ બની શકે છે. તેથી તેમની તાત્કાલિક બદલી થવી જોઈએ તેવી ટકોર કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
સરકારનો જવાબ: કોર્ટ હુકમમાં નોંધ ન કરે
સરકારી વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કોર્ટ આ મુદ્દે હુકમમાં કોઈ નોંધ ન કરે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની તથા વહીવટી પગલાં લેશે. સરકાર તરફથી જણાવાયું હતું કે આગામી શુક્રવારે અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં અંગેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ રજૂઆતને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી વધુ સુનાવણી આગામી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.
Surat DCP Rajdeep Nakumએ જ જગ્યાએ રહેશે તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે?
સરકારી પક્ષે જણાવ્યું હતું કે DGPના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે એડિશનલ CP (ક્રાઇમ)ને ઘટનાની તપાસ સોંપી છે. વાયરલ વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ રજૂઆત સામે હાઇકોર્ટે ટકોર કરી હતી કે હાલ ચાલી રહેલી કાર્યવાહી માત્ર પ્રાથમિક તપાસ છે. DCP (Surat DCP Rajdeep Nakum) ઘટનાસ્થળે હાજર હોવાનો મુદ્દો અને સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હોવાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટના મતે, જો સંબંધિત અધિકારી એ જ સ્થળે ફરજ પર રહેશે તો તેમના હેઠળના કર્મચારીઓ તેમની વિરુદ્ધ નિર્ભયતાથી નિવેદન આપી શકશે કે નહીં તે પણ મહત્વનો પ્રશ્ન છે.
કોર્ટ મિત્રે જૂના સર્ક્યુલરનો ઉલ્લેખ કર્યો
સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ પોલીસ દ્વારા આરોપીઓ સાથે કરવામાં આવતી જાહેર વર્તણૂક અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2019ના સર્ક્યુલરમાં આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવા, હાથકડી પહેરાવી જાહેરમાં પ્રદર્શન કરવા જેવી બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટ મિત્રના જણાવ્યા મુજબ, 2018માં રાજ્યમાં આવી ઘટનાઓને લઈને હાઇકોર્ટ (Gujarat High Court)માં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
2022ના ખેડા કેસનો પણ ઉલ્લેખ
કોર્ટ મિત્રએ 2022માં ખેડામાં બનેલી આવી જ ઘટના અંગેની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે મામલે કન્ટેમ્પ્ટ અરજી બાદ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું કોર્ટને જણાવાયું હતું. સુનાવણી દરમિયાન એવા સર્ક્યુલરનો પણ ઉલ્લેખ થયો જેમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવું, દોરડાથી બાંધવું અથવા જાહેરમાં માફી મંગાવવી જેવી કાર્યવાહી પર પ્રતિબંધ હોવાનું જણાવાયું હતું. આવા નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ હોવાનું પણ કોર્ટ મિત્રએ જણાવ્યું હતું. આ માટે DYSP, ACP, DCP, JCP અને CP સ્તરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હોવાનું રજૂ કરવામાં આવ્યું.
શું છે સમગ્ર મામલો?
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓને સબક શીખવવાના નામે જાહેર રસ્તા પર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવતો હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનામાં DCP રાજદીપસિંહ નકુમ (Surat DCP Rajdeep Nakum)ની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠ્યા હતા. આક્ષેપ મુજબ, સરઘસ દરમિયાન આરોપીઓને અલગ-અલગ સ્થળે ઊભા રાખીને માર મારવામાં આવ્યો હતો. વીડિયોના આધારે DCP (Surat DCP Rajdeep Nakum) દ્વારા આરોપીઓને લાકડીથી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે.
હવે સરકારના પગલાં પર નજર
હાઇકોર્ટ (Gujarat High Court)ની ટકોર બાદ હવે રાજ્ય સરકાર દ્વારા DCP રાજદીપસિંહ નકુમ (Surat DCP Rajdeep Nakum) અંગે શું વહીવટી પગલું લેવામાં આવે છે તેના પર નજર છે. આગામી શુક્રવારે સરકાર તરફથી અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ મામલે હાઇકોર્ટે પોલીસ તંત્રમાં કાયદાકીય પ્રક્રિયા અને આરોપીઓ સાથેના વર્તન અંગે ગંભીર સંદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં સરકારના પગલાં અને તપાસની દિશા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
આ પણ વાંચો:Surat DCP Rajdeep Nakum વિવાદ: આરોપીઓને જાહેરમાં માર મારવાના વીડિયો બાદ હાઇકોર્ટમાં સુઓમોટોની માંગ
