Ahmedabad News/ સાણંદ નજીક કાર કેનાલમાં ખાબકતા 3 ના મોત, મહિનામાં ત્રીજીવાર કાર કેનાલમાં ખાબકી,જિલ્લામાં અકસ્માતના 3 બનાવ – 6નાં મોત

ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : કેનાલમાં કાર ખાબકવાનો મહિનામાં ત્રીજો બનાવ બન્યો છે. જેમાં સાણંદ નજીક કાર કેનાલમાં ખાબકતા 3 જણાના મોત નીપજ્યા હતા.માર્ચ મહિનામાં અમદાવાદ અને કલોલમાં કેનાલમાં કાર ખાબકવાના અગાઉ બે બનાવમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારે હવે ત્રીજો બનાવ સાણંદ નજીકના વિરોચનનગરમાં બન્યો છે. જ્યાં ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી.

જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં ગત રોજ (30 માર્ચ)ની રાત્રે અકસ્માતના અન્ય બે બનાવ બન્યા હતા. જેમાં ધંધુકા-રાયકા માર્ગ પર બ્રેઝા અને અલ્ટો કાર સામસામે ટકરાતાં મહારાષ્ટ્રના બે લોકોના જીવ ગયા હતા. તો ત્રીજા અકસ્માતમાં ધોળકા નજીક ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.ગતરોજ ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું હોવાથી ગાંધીનગરના ઝુંડાલનો રબારી પરિવાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરવા ગયો હતો.

જે દરમિયાન દર્શન કરીને પરત ફરી રહેલા આ દર્શનાર્થીઓની ક્રેટા કાર અકસ્માતનો ભોગ બની હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જો કે, તેઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેથી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ
દર્શનકુમાર અરજણભાઈ દેસાઈ
કનુભાઈ રૂગનાથભાઈ દેસાઈ (તમામ રહે. રબારીવાસ, ઝુંડાલ, ગાંધીનગર)

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરખેજમાં ગત 5 માર્ચના રોજ રિલ્સ બનાવી રહેલા યુવકોની સ્કોર્પિયો કાર ફતેવાડી કેનાલમાં ખાબકતા ત્રણ યુવક યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવેના મોત થયા હતા. જ્યાર બાદ 11 માર્ચના રોજ કલોલના દંતાલી પાસે નર્મદા કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકતા અમદાવાદના લપકામણ ગામના રણજીતસિંહ સંગ્રામસિંહ ઠાકોર (ઉંમર વર્ષ 52)નું મોત થયું હતું. આમ માર્ચ મહિનામાં અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલમાં કાર પડવાની ત્રણ ઘટનામાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.

ધંધુકા-રાયકા હાઈવે પર બ્રેઝા-અલ્ટો વચ્ચે અકસ્માત

ગત રાત્રે ધંધુકા-રાયકા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. ધંધુકા પોલીસ ઘટનાસ્થળની મુલાકાત લઇ અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો અંગેની તપાસ કરી રહી છે.

મૃતકોના નામ

ઉત્તમ ગોડકે (ઉં. વ.54)
સંજય ગોડકે (ઉં. વ.50) (બંને રહે. સતારા, મહારાષ્ટ્ર)આંબારેલી નજીક ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત

ગત રાત્રે ધોળકાના આંબારેલી ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ડમ્પરચાલકે બાઈકસવારને અડફેટે લેતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, ડમ્પરચાલક અકસ્માત સર્જીને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફરાર થયેલા ડમ્પરચાલકની શોધખોળ શરૂ કરી છે. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ડમ્પરચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

મૃતકનું નામ

રમેશભાઈ ઘુઘાભાઈ ભરવાડ (રહે.રૂપગઢ)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી લાંચ લેનારો કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો:ડ્રાય સિટી ગુજરાતમાં દારૂની ‘ગિફ્ટ’, આ શહેરમાં 24 હજાર લિટર વિદેશી દારૂ અને બિયરનું વેચાણ

આ પણ વાંચો:ભરૂચમાં પોલીસના ત્રાસથી કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ