Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને અડફેટે લેતાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં હતાં. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અકસ્માત વાડીએ જઈ રહેલા લોકોને નડ્યો હતો. જેમાં કેસરીયા ગામના બે સગા અને નાથડ ગામના એક યુવાનનું પણ કરૂણ મોત થયું છે. જ્યારે એક સગીરાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે. જ્યારે ત્રણેયને હોસ્પિટલ પીએમ માટે ખસેડાતા વાતાવરણ શોકમય અને કરૂણ બન્યું હતું. રોકકળથી લોકોના હૃદય દ્રવી ઉઠ્યાં હતાં.પ્રાપ્ત માહિતી અનુસાર, કેસરીયા નજીક સોનારી ગામના રસ્તે રાત્રે દીવ તરફ જઈ રહેલી બોલેરો જીપના ચાલકે બે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કેસરીયા ગામના બે યુવાનો તેમજ નાથડ ગામના એક યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
મૃતકોમાં હિતેશ જગદીશભાઈ શિંગડ (ઉં.વ.20) – રહે. કેસરીયા, પરિમલ જગદીશભાઈ શિંગડ (ઉં.વ. 11) – રહે. કેસરીયા અને ભીખા નારણભાઈ દમણિયા (ઉં.વ.35) – રહે. નાથડનો સમાવેશ થાય છે.
આ કરુણ દુર્ઘટનામાં કલુબેન મંગાભાઈ શિંગડ (ઉં.વ.17 ) ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા હિતેશ શિંગડ (ઉં.વ.20) પોતાની બાઇક પર તેમના નાના પરિમલ શિંગડ (ઉં.વ.11) અને કાકાની દીકરી કલુબેન મંગા (ઉં.વ.17) સાથે કેસરીયાથી સોનારી ગામ નજીક આવેલી પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા.
કલુબેન સ્વાધ્યાય કેન્દ્રમાંથી ઘરે આવીને કાકાના દીકરા સાથે વાડીએ જવા નીકળ્યા હતા. જ્યારે, ભીખા દમણિયા (ઉં.વ.35) સોનારી ગામે પોતાના સસરાના ઘરેથી બાઇક લઈને નાથડ ગામે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, કેસરીયા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો જીપે આ બંને બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકો તેમજ ઇજાગ્રસ્તને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના હિટ એન્ડ રનની હોવાના કારણે કેસરીયા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને મૃતકોના સગા-સંબંધીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યો સહિત ત્રણના મોત થતાં હોસ્પિટલના પ્રાંગણમાં ભારે શોકમય વાતાવરણ સર્જાયું હતું.
પરિવારજનોના હૃદયદ્રાવક રુદનથી સૌની આંખોમાં આંસુની ધારા છલકાઈ હતી.બોલેરો ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઉના હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર બોલેરો ચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

