Rajkot News : રાજકોટમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક સગીર વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટ-જામનગર રોડ પર આવેલી SOS સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા મૂળ કચ્છના રહેવાસી યશરાજ સોલંકી (ઉં.વ. 17)નું હૃદય બંધ પડી જતાં નિધન થયું છે.
યશરાજ ધુળેટીની રજાઓ બાદ ગત સાંજે જ શાળાએ પરત ફર્યો હતો. આજે સવારે જ્યારે તેના સાથી વિદ્યાર્થીઓએ તેને શાળાએ જવા માટે ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જાગ્યો નહોતો. તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે.
યશરાજ હોળી અને ધુળેટીની રજાઓમાં પોતાના ઘરે કચ્છ ગયો હતો અને ગઈકાલે સાંજે જ તેના પરિવારજનો તેને શાળાએ મૂકીને ગયા હતા. આજે સવારે તેના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક વિદ્યાર્થીના પિતા જયેશભાઈ શિક્ષક છે અને યશરાજ તેમના ત્રણ ભાઈઓના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો. તેને એક બહેન પણ છે, જેણે પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે. આ ઘટનાથી સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાજકોટમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક છે, અને હવે સગીર વયના બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે, જે સમાજ માટે એક ગંભીર બાબત છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં