Junagadh News : જુનાગઢના ‘મન વૃદ્ધાશ્રમ’માં વડીલોની અનોખી સેવા થઈ રહી છે. કળિયુગમાં પણ પિયુષ આડતીયા નામના યુવાને શ્રવણ બની વૃદ્ધોની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. વડીલોની સેવા કરવા માટે આ યુવાને પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચીને ‘મન વૃદ્ધાશ્રમ’ શરૂ કર્યો છે.
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા પિયુષ આડતીયાને દરેક માનવીમાં ભગવાનનું રૂપ દેખાય છે. આ પ્રેરણાથી તેમણે વૃદ્ધોની સેવા કરવાનો નિર્ણય લીધો. ભેંસાણ તાલુકાના કોટડા ગામના વતની અને હાલ જેતપુરમાં રહેતા પિયુષ આડતીયા દરરોજ જુનાગઢ આવીને વડીલોની સેવા કરે છે.
છેલ્લા 15 વર્ષથી જુનાગઢમાં ‘મન એજ્યુકેશન ટ્રસ્ટ’ ચલાવતા પિયુષ આડતીયાએ બાળપણમાં જ માતાપિતા ગુમાવ્યા હતા. ત્યારબાદ તેમનામાં વૃદ્ધો પ્રત્યે સેવાભાવ જાગ્યો. તેમણે માવતર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને 60 જેટલા વડીલોને યાત્રા કરાવીને વડીલ સેવાની શરૂઆત કરી. આ પરંપરા આજે પણ ચાલુ છે અને છેલ્લા 11 વર્ષમાં તેઓ 660 જેટલા વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી ચૂક્યા છે.
માનવ સેવાને પોતાનું જીવન સમર્પિત કરનાર પિયુષ આડતીયાએ હવે વૃદ્ધોની સેવામાં જ પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. તેથી જ તેમણે જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલો પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી નાખ્યો અને બાયપાસ રોડ પર ‘મન’ નામનું વૃદ્ધાશ્રમ શરૂ કર્યું. હાલમાં આ વૃદ્ધાશ્રમમાં 20 જેટલા વડીલો માતાઓની જેમ હળીમળીને રહે છે અને જીવનના અંતિમ સમયે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. અહીં રહેતા વડીલોને સવારે ચા-નાસ્તો તેમજ બપોર અને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે.
આશ્રમમાં બાગ-બગીચા અને કુદરતી વાતાવરણ હોવાથી વડીલો શાંતિનો અનુભવ કરે છે. અહીં રહેતા વડીલોએ જણાવ્યું કે પિયુષ આડતીયા કળિયુગમાં પણ શ્રવણ બની તેમની સેવા કરી રહ્યા છે, જે તેમનું સૌભાગ્ય છે. તેમને અહીં કોઈ તકલીફ નથી અને ઘર કરતાં પણ વધારે સારું વાતાવરણ મળે છે, જેના કારણે તેમને ઘરની યાદ પણ આવતી નથી. આમ, પિયુષ આડતીયાએ પોતાનું સુખ અને સુવિધા ત્યજીને વૃદ્ધોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં