ધરપકડ/ વાપીમાં પરિણીતાની આત્મહત્યા મામલે સાસરિયાનાં 4 લોકોની ધરપકડ

વાપીમાં આત્મહત્યા મામલે 4 લોકોની ધરપકડ

Gujarat
vapi વાપીમાં પરિણીતાની આત્મહત્યા મામલે સાસરિયાનાં 4 લોકોની ધરપકડ

વાપીમાં 27મી મેના રોજ ચણોદ કોલોની વિસ્તારમાં આવેલા અલકનંદા બિલ્ડીંગમાં બી વિંગના ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યા બાદ યુવતીના પિયર પક્ષ તરફથી સાસરિયા વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણા કરવાની અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે પતિ, સાસુ, જેઠ-જેઠાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

વાપીમાં ગુરુવારે 27મી મેના અનિતા ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે, ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા પીએચસી ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં, પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો.  મૃતક અનિતાના ભાઈ અને માતાને શંકા જતા તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, અનિતાને તેનો પતિ ભાવેશ, સાસુ દમયંતી ભાનુશાલી, જેઠ સુરેશ ભાનુશાલી અને જેઠાણી રેખા સુરેશ ભાનુશાળી અસહ્ય માનસિક ત્રાસ આપતા હતાં. આ ઉપરાંત, મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતા હતાં. જેથી, માનસિક રીતે તૂટી જતા અનિતાએ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. આ ફરિયાદના આધારે ડુંગરા પોલીસે 4 લોકોની ધરપકડ કરી નવસારી જેલ હવાલે કર્યા હતાં.