ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી શાળામાં આગ લાગવાના બનાવ વધતાં જાય છે.સરકાર દ્વારા ફાયરસેફ્ટીના નિયમનો કડક અમલ કરાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અમુક પ્રકારના નિયમોના કારણે શાળાનાં સંચાલકો દ્વીધાપૂર્ણ સ્થિતિમાં મૂકાતાં ફાયર એનઓસી અંગે કેટલાંક હકારાત્મક સૂચનો સરકાર સમક્ષ કરાયા છે.
રાજ્યના વિવિધ શહેર-નગરોમાં હોસ્પિટલ અને શાળામાં આગ લાગવાના બનાવ વધી રહ્યાં છે.CM રૂપાણીના નેતૃત્વવાળી સરકારે આગના બનાવને નિયંત્રણમાં લેવા માટે ફાયરસેફ્ટીના નિયમનો કડક અમલ કરાવવા વહીવટીતંત્ર, કોર્પોરેશન અને ફાયરવિભાગને પણ સૂચના આપી છે. શાળામાં લાગતાં આગના બનાવને નિયંત્રણમાં લેવા કેટલાંક સૂચનોનો અમલ કરવાની માંગ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે કરી છે.
રાજ્યની વિવિધ શાળામાં ફાયરસેફ્ટીની સુવિધાનો અભાવ હોય છે. તો કેટલીક શાળામાં ફાયરસેફ્ટી શોભાના ગાંઠિયા સમાન હોય છે. શાળા સંચાલક મંડળે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, ફાયર વિભાગ નિયમિત ફાયરસેફ્ટી અંગે સુપરવિઝન વ્યવસ્થા ગોઠવે. શાળા સંચાલક-ફાયરવિભાગ અને સરકારના ત્રિવેણી સંકલનથી આગના વધતાં બનાવ પર નિયંત્રણ આવી શકશે. તો નિર્દોષના જીવન હોમાતાં પણ અટકાવી શકાશે.