Gandhinagar News : અમદાવાદ સહિત દેશભરમાં મેટ્રો સ્ટેશનના કેબલોની ચોરી કરતી ખેકડા ગેંગના ચાર શખ્સોની ગાંધીનગર LCB એ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ ગાંધીનગર, અમદાવાદ તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે સહિત ભારતભરનાં મેટ્રો સ્ટેશનના કેબલચોરી કરતી દિલ્હીની ‘ખેકડા ગેંગ’ના 4 શખસને પોલીસે પકડી કુલ 35 જેટલા ગુના ડિટેક્ટ કર્યા છે. આ ગેંગ મેટ્રો રૂટ પર આવેલા કોઈ ઝાડ પર ચડીને કટરથી કેબલ કાપતા હતા. એ બાદ ભાડાના મકાનમાં મુદ્દામાલ સંતાડી રાખતા હતા.
જ્યાં કોપરના વાયરો અલગ કરી એનું પેકિંગ કરી ટ્રેનથી દિલ્હી સપ્લાય કરતા હતા. હજુ આ ગેંગના 11 આરોપી ફરાર છે.તાજેતરમાં ગાંધીનગર જિલ્લા ખાતે ઇન્ફોસિટી પો.સ્ટે. વિસ્તારના જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રોલાઈન ઉપર કેબલચોરીનો ગુનો બન્યો હતો. ગત તા.02/06/2025ના રોજ આઇ.પી.એલ. મેચ દરમિયાન મોડીરાત્રિના 2થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન કોબા સર્કલ પાસે આવેલા જૂના કોબા મેટ્રો સ્ટેશન નજીક કોઈ અજાણ્યા ઈસમોએ 700 મીટર કેબલ, જેની કિંમત રૂપિયા 17,85,000/-ને કટર વડે કાપી ચોરી કરી લઇ ગયા હતા.
ઘટનાને પગલે પોલીસ અધીક્ષક રવિતેજા વાસમસેટ્ટીએ પોતે ગુનાવાળી જગ્યાએ આવી સત્વર ગુનાનો ભેદ ઉકેલાય એ અંગે પો.ઇન્સ.એલ.સી.બી-1 ડી.બી.વાળા તેમજ પો.ઇન્સ. એલ.સી.બી.-2 એચ.પી.પરમાર નાઓને સૂચના આપી હતી. એ અનુસંધાને અલગ-અલગ અધિકારીઓની ચાર ટીમની રચના કરવામાં આવી હતી. ગાંધીનગરમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરાયા હતા તેમજ ટેક્નિકલ એનાલિસિસના આધારે બનાવ સમયે બે શંકાસ્પદ ગાડી ધ્યાનમાં આવતાં વાહનમાલિકની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓની ઓળખ મળી હતી.
જે આધારે ટેક્નિકલ સર્વેલન્સ કરી તેમજ ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓએ ચોરીનો મુદ્દામાલ છુપાવવા કલોલ ખાતે એક મકાન ભાડેથી રાખ્યું છે. એ મકાનમાં જૂના કોબા મેટ્રો સ્ટેશન પાસે થયેલી મેટ્રો કેબલચોરીનો મુદ્દામાલ હાલ ત્યાં રાખ્યો હતો અને આ મુદ્દામાલ સગેવગે કરવા માટે આરોપીઓ મકાન પર હાજર હોવાની માહિતી મળી હતી. એ આધારે કલોલ ખાતે પોલીસે તપાસ કરતાં ચાર ઈસમો મળ્યા હતા. પોલીસે મુશરફ ઈરશાદ મુલેજાટ, રાશિદ ઈશાક ઈસ્માઈલ ધોબી, રાશિદ અબ્દુલ અઝીઝ શબ્બીર અંસારી અને ઇરશાદ મજીદ અલ્લામેહર મલિકને ઝડપી પાડ્યા હતા.
આ તમામ ઈસમોએ ચોરીમાં ગયેલા મુદ્દામાલના કેબલ છોલીને અલગ-અલગ ટુકડા કરી નાખ્યા હતા. જે કોપર વાયર કુલ 368.790 કિ.ગ્રા., જે કોપર વાયરની 1 કિ.ગ્રા.ની કિ.રૂ.800- લેખે કુલ કિ.રૂ. 2,95,032/- તેમજ પ્લાસ્ટિકના કવરના ટુકડાઓનું વજન 130.210 કિ.ગ્રા. છે જે 1 કિ.ગ્રા. પ્લાસ્ટિકના ટુકડાની કિ.રૂ.10/- લેખે કુલ કિ.રૂ. 1302/- મળી કુલ મેટ્રો કેબલના મુદ્દામાલની કિ.રૂ. 2,96,334/-તેમજ અન્ય મુદ્દામાલ કિયા કેરેન્સ ગાડી, મોબાઇલ ફોન વગેરે મળી કુલ કિ.રૂ.8,32,644/-નો મુદ્દામાલ મળ્યો હતો એને પોલીસે જપ્ત કર્યો છે.
આ ચાર ઇસમે જૂના કોબા મેટ્રો સ્ટેશન ખાતે થયેલી ચોરીની કબૂલાત આપી હતી, જેથી તેઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)(ઇ), 106(1) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ એલ.સી.બી-1 ખાતે ચલાવવામાં આવી હતી.15 શખસે સાથે મળીને ગુનાને અંજામ આપ્યોઆરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવતાં કુલ 15 જેટલા શખસે સાથે મળીને મેટ્રો કેબલચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી હતી.
ગત તા.22/05/2025ના રોજ વહેલી સવારે અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો સ્ટેશન નજીકથી પણ મેટ્રો કેબલની ચોરી થઈ હતી, જેમાં આ ગેંગની જ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. આ સિવાય અગાઉ અમદાવાદ ખાતે 2024માં ઓક્ટોબર મહિનામાં તેમની ગેંગના આરોપી માસૂમ યાસિન મલિક જે ગ્યાસપુરે મેટ્રો સ્ટેશન વેજલપુર અમદાવાદ ખાતેથી તેની સાથેના અન્ય સભ્યો દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી છે. ભૂતકાળમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના રૂટ ઉપર રેકી કરી હોવાની પણ કબૂલાત આપી છે.આ આરોપીઓની ટેક્નિકલ ડેટાના આધારે વધુ પૂછપરછ કરતાં ગુજરાત સિવાય દિલ્હી ખાતે મેટ્રો કેબલની 14 અલગ અલગ જગ્યાએ તેમજ પુણે-મહારાષ્ટ્ર ખાતે અલગ-અલગ 12 જગ્યા ઉપર, પનવેલ નવી મુંબઇ મહારાષ્ટ્ર ખાતે 6 અલગ અલગ જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત આપી છે.
આ સિવાય ભોપાલ તેમજ ઇન્દોરમાં પણ ગુના આચર્યા છે. આરોપીઓમાં રાજા કુરેશી, જે પ્રત્યક્ષ રીતે અમદાવાદ ખાતેની ગુનાવાળી જગ્યાએ હાજર નહોતો, પરંતુ શાહપુર ખાતેની ચોરીના મુદ્દામાલને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફત દિલ્હી ખાતે મેળવી વેચાણ કર્યો હતો. અન્ય રાજ્યોમાં થયેલી મેટ્રોની કેબલચોરીઓમાં પણ આ ગેંગ દ્વારા મુદ્દામાલ રિસીવર તરીકે મેળવી લઈ તેમજ જ્યારે પૈસાની જરૂરિયાત ઊભી થાય તો આર્થિક મદદ પૂરી પાડી દરેક ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે.આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં જ્યાં મેટ્રો રેલવેલાઇન ચાલુ છે એ શહેરમાં જઇ રેલવે સ્ટેશન નજીકની હોટલોમાં રોકાણ કરી, જસ્ટ ડાયલ તથા અન્ય રીતે સેલ્ફ ડ્રાઇવિંગમાં મોટી ફોર-વ્હીલર કાર ભાડેથી રાખતા હતા. કાર મળી ગયા બાદ નજીકમાં કોઇ બ્રોકરનો સંપર્ક કરી મુદ્દામાલ છુપાવવા માટે મકાન ભાડે રાખતા. પછી નક્કી કરેલા સ્થળ પર જઇ ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓ ભાડેથી મેળવેલી ગાડી દ્વારા મેટ્રો રૂટ પર રેકી કરતા, જેમાં મેટ્રોના બ્રિજના પિલર નજીક કોઇ મોટું વૃક્ષ આવેલું હોય તો એના સપોર્ટ દ્વારા દોરડાનો ઉપયોગ કરી ઉપર ચડી કેબલ મોટા કટર વડે કાપી ચોરીનું કામ કરતા હતા અથવા મેટ્રોના પિલરની બાજુમાં કોઇ સપોર્ટ માટે દીવાલ આવેલી હોઇ તો એ જગ્યાનો પણ ઉપયોગ કરી મેટ્રોલાઇનના કેબલોને મોટા કટર વડે કાપી કેબલોને ભાડે રાખેલા મકાનમાં લઇ જઇ ઉપરથી પ્લાસ્ટિક અથવા રબરના પડને દૂર કરી એમાંથી કોપરના વાયરો અલગ કરી એનું પેકિંગ કરી ટ્રેન મારફત અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી દિલ્હી ખાતે મોકલી આપી વેચાણ કરતા હતા.ઉપરોક્ત તમામ ગુનાઓમાં અલગ-અલગ રાજ્યોની પોલીસ તેમજ મેટ્રોનો સંપર્ક કરી દાખલ થયેલા ગુના રજિસ્ટર નંબરો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે, જેમાં ભારતભરના તમામ મેટ્રો કેબલચોરીના ગુનાના ભેદ ઉકેલાવાની પૂરી શક્યતા છે.
આરોપીઓએ ગુજરાતમાં કુલ-3, પુણે-મહારાષ્ટ્રના કુલ-12, પનવેલ, નવી મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે કુલ-6 તેમજ દિલ્હી ખાતે કુલ-14, ભોપાલ, ઇન્દોર વગેરે ખાતે મળી કુલ 35 મેટ્રોલાઇનના કેબલોની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલમાં દિલ્હી પોલીસે વધુ 80 ગુનાનું લિસ્ટ મોકલ્યું છે, જેને પગલે વધુ તપાસમાં 100થી વધુ ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે. ભારતભરનાં મેટ્રો સ્ટેશનોમાં બનેના કેબલચોરીના બનાવોમાં સદર ગેંગની સક્રિય ભૂમિકા જણાઇ આવી છે, જેથી તમામ મેટ્રો સ્ટેશનોનો સંપર્ક કરી વધુ ગુનાઓમાં પણ આરોપીઓની સંડોવણી મળી આવવાની શક્યતા છે, જે બાબતે ટેક્નિકલ તેમજ હ્યુમનસોર્સ આધારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓનાં નામ:-
(1) મુશરફ ઈરશાદ મુલેજાટ
(2) રાશિદ ઈશાક ઈસ્માઈલ ધોબી
(3) રાશિદ અબ્દુલ અઝીઝ શબ્બીર અંસારી
(4) ઇરશાદ મજીદ અલ્લામેહર મલિક
વોન્ટેડ તેમજ ગુનામાં સામેલ આરોપીઓનાં નામ:-
(1) શહેજાદ અમરુદીન મલિક
(2) આમીર અકબર મલિક
(3) આરીફ બાબુ મલિક
(4) ઇકલાખ ઇકબાલ મલિક
(5) ઇમરાન મલિક
(6) આરીફ રફીક
(7) સોનુ બાબુ કસાર
(8) અરશદ અસગર મલિક
(9) બિલાલ કુરેશી
(10) રાજા કુરેશી
(11) માસૂમ યાસિન મલિક
આજથી 15 દિવસ પહેલાં તાંબાના લગભગ 500 મીટર કેબલની ચોરીને કારણે અમદાવાદના વસ્ત્રાલથી થલતેજ વચ્ચે લગભગ 7 કલાક સુધી મેટ્રો બંધ કરવી પડી હતી. આને કારણે અંદાજે 15 હજાર લોકો હેરાન થયા હતા. શાહપુર રેમ્પ પાસે ટનલમાંથી બહાર નીકળતાં કેટલાક લોકોએ વહેલી સવારે 25-25 મીટરના લગભગ 20 કેબલ કાપી નાખી ચોરી કરી હતી. અપ અને ડાઉન લાઈનના બંને તરફના પાટા પરથી લગભગ 9 લાખની કિંમતના તાંબાના વાયરની ચોરી થઈ હતી. મેટ્રોના સેક્શન એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:મહેસાણામાં વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો, કબૂતરબાજ એજન્ટે યુવક સાથે કરી છેતરપિંડી
આ પણ વાંચો:ગેરકાયદે અમેરિકા જવાના કબૂતરબાજીના કેસમાં 14 એજન્ટો સામે ગુનો દાખલ
આ પણ વાંચો:કબૂતરબાજીની વ્યાપક ફરિયાદોને પગલે ગુજરાતભરમાં પોલીસના દરોડા
