Dahod News: દાહોદ (Dahod)માં મનરેગા (MGNAREGA Scam) કૌભાંડમાં મંત્રી પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad)ના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભાણપુર ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડ થયું હતું અને મનરેગામાં મંજૂર થયેલા કામોમાંથી 11 કામો થયા ન હતા અને બળવંત ખાબડની એજન્સીને 33.86 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
દાહોદ (Dahod) મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાણપુર ગામમાં મંજૂર થયેલા કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં, બાકીના કામોનું બિલ પાસ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. 3 દિવસ પહેલા જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ફરીથી ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને આપવામાં આવેલા જામીન અટકાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોલીસની અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીન પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન આપ્યા હતા. કોર્ટે બળવંત અને કિરણ ખાબડને 50,000 રૂપિયાના જામીન પર જામીન આપ્યા હતા.
દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ (Land scam) બાદ, 2021 થી 2025 દરમિયાન મનરેગા યોજના (MGNREGA) હેઠળ થઈ રહેલા કામોમાં ખોટા દસ્તાવેજો (Fake documents) બનાવીને ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ગેરરીતિની રકમ 71 કરોડ રૂપિયાની થઈ હોવાનું સામે આવતા આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની 35 એજન્સીઓ સામે ગુનો નોંધ્યો હતો. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ ઉછળતાં ચકચાર મચી ગઈ હતી.

