Banaskantha News/ ડીસામાં બનશે એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ! કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી, નાઇટ સફારી બનશે સૌથી મોટું આકર્ષણ

Deesa Desert Zoo: બનાસકાંઠાના ડીસામાં 103 હેક્ટરમાં રૂ.542 કરોડના ખર્ચે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ બનશે. CZAની મંજૂરી બાદ નાઇટ સફારી, 2,700થી વધુ પ્રાણી-પક્ષીઓ અને અનેક આકર્ષણો સાથે પ્રોજેક્ટને વેગ મળશે.

Gujarat Top Stories Others Trending
Deesa Desert Zoo: રૂ.542 કરોડના ડેઝર્ટ ઝૂમાં જોવા મળશે સિંહથી કાંગારૂ સુધીના પ્રાણી

Banaskantha News: બનાસકાંઠાના જૂના ડીસા ખાતે પ્રસ્તાવિત ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક (Deesa Desert Zoo) અને નાઇટ સફારી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને વન્યજીવ સંરક્ષણની સાથે ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.

PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ, ભારતે જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે અસંખ્ય પહેલો કરી છે. પ્રધાનમંત્રીએ અવારનવાર કહ્યું છે કે, પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં વન્યજીવ સંરક્ષણના અનેક (Asia First Desert Zoo) પ્રોજેક્ટોનો અમલ કરી રહી છે, જેમાં ડીસા ખાતે પ્રસ્તાવિત ડેઝર્ટ-થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્કનો પણ સમાવેશ થાય છે.

Deesa Desert Zoo: 103 હેક્ટરમાં રૂ.542 કરોડનો પ્રોજેક્ટ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, ડીસાના જૂના વિસ્તારમાં આશરે 103 હેક્ટર જમીનમાં રૂ.542.14 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટનું આયોજન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંજૂરી મળ્યા બાદ હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.

Deesa Desert Zoo: રૂ.542 કરોડના ડેઝર્ટ ઝૂમાં જોવા મળશે સિંહથી કાંગારૂ સુધીના પ્રાણી
Deesa Desert Zoo: આશરે 103 હેક્ટર જમીનમાં રૂ.542.14 કરોડના ખર્ચે પ્રોજેક્ટ

એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ઝૂ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ ડીસામાં બનનાર આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ હશે. વિશ્વ સ્તરે પણ આ પ્રકારનું આ અનોખું પ્રોજેક્ટ ગણાશે.આ ઝૂમાં રણપ્રદેશની પ્રકૃતિ, પ્રાણીઓ અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને વિવિધ ઝોન અને એન્ક્લોઝર તૈયાર કરવામાં આવશે.

2,700થી વધુ પ્રાણી-પક્ષીઓનું ઘર બનશે

આ સમગ્ર પ્રોજેક્ટમાં આશરે 83 પ્રજાતિના 2,700 જેટલા દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવાની યોજના છે.ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, એશિયાટિક સિંહ અને દીપડા ઉપરાંત રણપ્રદેશ સાથે જોડાયેલી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થશે.

નાઇટ સફારી બનશે સૌથી મોટું આકર્ષણ

પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી (Deesa Night Safari) રહેશે. સૂર્યાસ્ત બાદ મુલાકાતીઓને ખાસ તૈયાર કરવામાં આવેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોવાનો અનુભવ મળશે.નાઇટ સફારી માટે પાંચ સમર્પિત એન્ક્લોઝર બનાવવાની યોજના છે. સાથે જ અલગ ‘ડે ઝૂ’ પણ વિકસાવવામાં આવશે.

Deesa Desert Zoo: રૂ.542 કરોડના ડેઝર્ટ ઝૂમાં જોવા મળશે સિંહથી કાંગારૂ સુધીના પ્રાણી
Deesa Desert Zoo: રૂ.542 કરોડના ડેઝર્ટ ઝૂમાં જોવા મળશે સિંહથી કાંગારૂ સુધીના પ્રાણી

“વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોની સાથે આ પ્રાણીસંગ્રહાલય પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટેનું એક ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે,” બનાસકાંઠા વાઇલ્ડલાઇફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક પોપટરાવ ગારડીએ જણાવ્યું હતું.

ભારતીય રણથી આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુધીના પ્રાણી

ઝૂમાં ભારતીય રણપ્રદેશના પ્રાણીઓ ઉપરાંત આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન રણપ્રદેશની પ્રજાતિઓ પણ મુખ્ય આકર્ષણ બનશે.ભારતીય પ્રજાતિઓમાં કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ, ભારતીય રણ લોમડી, ભારતીય ઘૂડખર અને ડેઝર્ટ હેર જેવી પ્રજાતિઓનો સમાવેશ થવાનો છે.આફ્રિકન ઝોનમાં જિરાફ, ગ્રેવીઝ ઝેબ્રા, ઓરિક્સ, આફ્રિકન કુડુ, સ્પ્રિંગબોક, બ્લેક રાઇનોસરોસ, ચિમ્પાન્ઝી, મીરકાટ, આફ્રિકન સિંહ અને શાહમૃગ જેવા પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.જ્યારે ઓસ્ટ્રેલિયન ઝોનમાં કાંગારૂ, એમુ અને વોલાબી જેવી પ્રજાતિઓ જોવા મળશે.

રેપ્ટાઇલ સફારીથી બટરફ્લાય પાર્ક સુધી

અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંઘે જણાવ્યું..પ્રોજેક્ટમાં માત્ર પ્રાણી-પક્ષીઓ જ નહીં પરંતુ મુલાકાતીઓ માટે અનેક વિશેષ આકર્ષણો ઊભાં કરવાની યોજના છે. તેમાં રેપ્ટાઇલ સફારી, પક્ષીઘર, સરિસૃપ ઘર, બટરફ્લાય પાર્ક, રેઇનફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ જેવી મુલાકાતી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ

ગાંધીનગર વાઇલ્ડલાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહૂએ જણાવ્યું..પ્રોજેક્ટમાં પર્યાવરણ પરની અસર ઘટાડવા માટે વિવિધ ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર એનર્જી, સ્થાનિક વનસ્પતિનું વાવેતર અને ગ્રીન બફર ઝોનનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના પ્રવાસનને મળશે નવી દિશા

ડીસાનું આ પ્રોજેક્ટ વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળો સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસન (Gujarat Tourism) સર્કિટને વધુ મજબૂત કરી શકે છે. સરકારના આયોજન મુજબ આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. CZAની મંજૂરી મળ્યા બાદ હવે ડીસાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને સ્થાનિકો અને પ્રવાસન ક્ષેત્રમાં પણ ઉત્સુકતા વધી છે.


આ પણ વાંચો: હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ

આ પણ વાંચો: ગુજરાતમાં ઇકો અને મરીન ટૂરિઝમને નવી દિશા: દરિયાકિનારાથી જંગલો સુધી વિકાસની નવી દિશા

આ પણ વાંચો: ગુજરાતમાં દરિયાઈ ટુરિઝમને મળશે વેગ, ડોલ્ફિનની વસ્તીમાં જબરજસ્ત ઉછાળો