Business News/ કેન્દ્ર સરકારના 80 મંત્રાલયો અને વિભાગોમાં 8.24 લાખ પદ ખાલી, 10 વર્ષમાં ડબલ વધારો

કેન્દ્ર સરકારની ખાલી જગ્યાઓ (Central Government) 10 વર્ષમાં ડબલ થઈ. 2015માં 4.21 લાખથી વધીને 2024માં 8.24 લાખ પદ ખાલી થયા.

Breaking News Business
Central Government

Business News: છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારની ખાલી જગ્યાઓ (Central Government) લગભગ બમણી થઈ છે. 2015માં 4.21 લાખ પદ ખાલી હતા, જે 2024માં વધીને 8.24 લાખ થઈ ગયા છે. કુલ મંજૂર પદોની સરખામણીમાં ખાલી જગ્યાઓનો હિસ્સો પણ 11.5 ટકાથી વધીને 21 ટકા થયો છે.

આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં મંજૂર પદોની સંખ્યામાં 2.74 લાખનો વધારો થયો હતો. જોકે, ભરાયેલી જગ્યાઓની સંખ્યા 1.29 લાખ ઘટી ગઈ છે. આ આંકડા કેન્દ્રના સિવિલ કર્મચારીઓના પગાર અને ભથ્થાં સંબંધિત ખર્ચ અંગેના અહેવાલમાં સામે આવ્યા છે.

Central Governmentની ખાલી જગ્યાઓ 10 વર્ષમાં બમણી

કેન્દ્રના 80 મંત્રાલયો અને વિભાગોમાં કુલ 39,23,212 પદ મંજૂર (Central Government Vacancies)છે. તેમાંથી 30,99,656 પદ ભરાયેલા છે, જ્યારે 8,23,556 પદ ખાલી છે. 2015માં કુલ 36,49,468 મંજૂર પદમાંથી 32,28,921 ભરાયેલા અને 4,20,547 પદ ખાલી હતા. ગૃહ મંત્રાલયમાં મંજૂર પદોની સંખ્યામાં આશરે 1.02 લાખનો વધારો થયો છે. તેની સામે ભરાયેલા પદોમાં આશરે 49,621નો વધારો થયો. પરિણામે ગૃહ મંત્રાલયમાં ખાલી જગ્યાઓ 58,774થી વધીને 1,10,885 થઈ ગઈ છે.

ખાલી જગ્યા (Government Jobs)ઓ ભરવા માટે કેટલાક સરકારી વિભાગો આઉટસોર્સિંગનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) પ્લેટફોર્મ મારફતે મોટી સંખ્યામાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત સેવાઓ માટે લેવામાં આવે છે.

રેલવે અને આરોગ્ય વિભાગમાં પણ ખાલી જગ્યાઓ વધી

2015માં રેલવે (Railway Jobs)માં ખાલી જગ્યાઓ નહોતી, પરંતુ 2024માં 2.40 લાખ પદ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ કુલ મંજૂર પદોના આશરે 16.2 ટકા છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ ખાલી જગ્યાઓ શૂન્યથી વધીને લગભગ 6 ટકા થઈ છે. ડિફેન્સના સિવિલિયન વિભાગમાં સૌથી વધુ 2.42 લાખ પદ ખાલી છે. મંજૂર પદોની સરખામણીમાં અહીં ખાલી જગ્યાઓનો દર 31.9 ટકાથી વધીને 43.4 ટકા થયો છે. ટપાલ વિભાગમાં પણ ખાલી જગ્યાઓમાં મોટો વધારો થયો છે. 2015માં 7,561 પદ ખાલી હતા, જે 2024માં વધીને 61,546 થઈ ગયા છે.

વાણિજ્ય વિભાગમાં અડધાથી વધુ પદ ખાલી

વાણિજ્ય વિભાગમાં 2024 દરમિયાન 55.4 ટકા પદ ખાલી હતા. આ સૂચિમાં સૌથી વધુ ખાલી જગ્યાનો દર હોવાનું જણાવાયું છે. 2015માં આ દર 37.1 ટકા હતો. સિવિલ એવિએશન વિભાગમાં 45.2 ટકા અને લેબર વિભાગમાં 41.5 ટકા પદ ખાલી છે. આ આંકડા દર્શાવે છે કે કેટલાક મહત્વપૂર્ણ સરકારી વિભાગોમાં મંજૂર પદો અને વાસ્તવિક ભરતી વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

પીએસયુમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો હિસ્સો 49% થયો

સરકારી કંપનીઓ એટલે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં પણ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની સંખ્યા ઝડપથી વધી છે. 2015માં પીએસયુના કુલ કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો હિસ્સો 18.6 ટકા હતો, જે 2025માં વધીને 49.1 ટકા થયો છે. પબ્લિક એન્ટરપ્રાઇઝ સર્વે-2015 મુજબ, 2015માં 298 પીએસયુમાં કુલ 15,87,149 કર્મચારીઓ હતા. તેમાંથી 2,95,975 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હતા.

2025માં 475 પીએસયુમાં કુલ 15,42,339 કર્મચારીઓ હતા. તેમાંથી માત્ર 7,83,728 કર્મચારીઓ નિયમિત હતા, જ્યારે 7,58,611 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હતા. આ આંકડાઓ મુજબ સરકારી કંપનીઓમાં નિયમિત કર્મચારીઓની સરખામણીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો હિસ્સો હવે લગભગ અડધો થઈ ગયો છે.


આ પણ વાંચો:એક ઓરડામાં ચાલતી 341 સરકારી પ્રાથમિક શાળાઓ, 1400થી વધુ જગ્યાઓ ખાલી

આ પણ વાંચો:‘રાજયમાં તાલુકા વિકાસ અધિકારીની 248 માંથી 205 ની જગ્યાઓ ભરાયેલી, ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરાશે’: રાજ્યમંત્રી બચુ ખાબડ

આ પણ વાંચો:ગ્રાહક પેનલમાં સહાયક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરો: હાઈકોર્ટનો સરકારને આદેશ