Mahisagar News: ચાલુ વર્ષે લુણાવાડા (Lunawada) અને આસપાસના તાલુકાઓમાં આંબા ઉપર આવેલી વિપુલ પ્રમાણમાં આવેલી કેરીઓને જોઈ આમચૂરનું વિપુલ ઉત્પાદન થશે તેની આશામાં બેઠેલા ખેડૂતો અને વેપારીઓને વાવાઝોડાએ અને વરસાદે મજા બગાડી દેતાં આમચૂરનો પાક બગડી જતાં ગયા વર્ષ કરતાં ઓછા ભાવ મળતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
મહીસાગર (Mahisagar) જીલ્લાનું લુણાવાડા આમચૂર એટલે આંબળીયાનો ઉત્પાદનમાં ગુજરાત અને ભારતભરમાં પોતાની આગવી નામના ધરાવે છે. અહીંના કુશળ ખેડૂતોએ આંબળિયાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવવાની કારીગરી જાળવી રાખી છે. તો અહીંના વેપારીઓએ પણ છેલ્લા સો વર્ષથી આમચૂર (Aamchur)ના વેપારમાં પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.

ચાલુ વર્ષે આંબા ઉપર જે રીતે મૉર આવ્યો હતો અને જે રીતે લુમેં ને ઝુમે કેરીઓ લાગી હતી તે જોઈને ખેડૂતો અને વેપારીઓને એવું લાગતું હતું કે ચાલુ વર્ષે આમચૂરનું ઉત્પાદન રેકોર્ડબ્રેક હશે. પરંતુ આ સિઝનમાં આંબાઓનો મૉર આવ્યા પછી ત્રણથી ચાર માવઠાં અને વાવાઝોડાને કારણે કેરીઓ ઝુડાઈ જતાં આંબા ઉપરથી કેરીઓનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું. અધૂરામાં આમચૂર બનાવવાના સમયે જ વરસાદ અને વાવાઝોડું આવતાં આમચૂરનો માલ લાલ થઈ જતાં ભાવ ઘટી ગયા છે.
ગયા વર્ષે જે આમચૂરનો ભાવ 5200 થી 5500 હતો, તેનો ભાવ આજે 4000ની આસપાસ જતો રહ્યો છે. જ્યારે નીચી ગુણવત્તાનો માલનો ભાવ ગયા વર્ષે 2500ની આસપાસ હતો, તેનો ભાવ આજે 1500ની આસપાસ થઈ ગયો છે. જેના કારણે ઊભા આંબા લઇ આમચૂર બનાવતા ખેડૂતો આમચૂર વેચીને વર્ષભરનો ખર્ચો કાઢી લેતા હતા, પરંતુ વાતાવરણે મઝા બગાડી દેતાં આ ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર ,વિરપુર, લીંબડીયા ,ગોધર, આંજણવા, કાળીબેલ, ચરાડા ,હરિગરના મુવાડા, સાત કુંડા નાનસલાઈ, પાદરડી, કારંટા, ખાનપુર, મલેકપુર, પાલ્લી, નવા મુવાડા, સરસણ જેવા સંખ્યાબંધ વિસ્તારોમાં આમચૂર બનાવવાનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. આ વિસ્તારના ખેડૂતો માત્ર મહીસાગર જ નહીં પરંતુ વડોદરા, ખેડા, અરવલ્લી, દાહોદ જિલ્લાના ગામડાઓમાં જઈ કેરીઓના ઉભા ખરીદી છે અને પોતાના ગામમાં કેરીઓ લાવી આમચૂર બનાવે છે.
આમચૂરના ભાવ તેની સફેડીને આધારે નક્કી થાય છે. મધ્ય ગુજરાતના આમચૂર દિલ્હી અને હરિયાણાના બજારમાં ‘લુણાવાડા આમચૂર ‘તરીકે ઓળખાય છે. સારી ગુણવત્તાના આમચૂર આ વિસ્તારના વણકર ભાઈઓ બનાવતા હોવાનું વેપારીઓ કરી રહ્યા છે.
@વિશાલ સોલંકી
આ પણ વાંચો:ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ
આ પણ વાંચો:આગામી 5 દિવસ રહેશે મધ્યમ વરસાદ, ખેડૂતોને માથે સંકટ યથાવત્
