Ahmedabad Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ (Hospital) ની વ્યવસ્થાઓ જાણે રામભરોસે ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્ટ્રેચર ખેંચવા તથા વ્હીલચેરમાં લઈ જવા માટે પૂરતા સ્ટાફના અભાવના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
હોસ્પિટલ (Hospital) માં સ્ટાફનો અભાવ
મળતા અહેવાલ મુજબ, એક્સ-રે અને MRI જેવી તપાસ માટે સ્ટ્રેચર પર આવેલા દર્દીઓને લઈ જવા કોઈ સ્ટાફ ઉપલબ્ધ નથી. પરિણામે દર્દીના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને તપાસ રૂમ સુધી લઈ જવા મજબૂર બન્યા છે. હોસ્પિટલ પરિસરમાં આવા અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
એક હાથમાં સીરમની બોટલ, બીજા હાથમાં સ્ટ્રેચર
કેમેરામાં સ્પષ્ટ જોવા મળે છે કે પરિવારજનો એક હાથમાં દર્દીને લાગેલી સીરમની બોટલ પકડીને અને બીજા હાથથી સ્ટ્રેચર ખેંચીને લઈ જઈ રહ્યા છે. એટલું જ નહીં, વ્હીલચેરમાં દર્દીઓને લઈ જવા માટે પણ કોઈ સહાયક સ્ટાફ જોવા મળ્યો નથી.
પરિવારજનોનો આક્ષેપ
દર્દીઓના પરિવારજનોનું કહેવું છે કે, સ્ટ્રેચર કે વ્હીલચેર માટે કોઈ સ્ટાફ આપવામાં આવતો નથી અને તમામ કામ જાતે જ કરવું પડે છે. સારવાર માટે આવેલી સરકારી હોસ્પિટલમાં આવી સ્થિતિ હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રની બેદરકારી સામે સવાલ
સોલા સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સરકારી આરોગ્ય સંસ્થામાં આવી બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. દર્દીઓની સુવિધા માટે જવાબદાર તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીઓની સલામતી અને આરોગ્ય બંને જોખમમાં મુકાઈ રહ્યા છે.
