Income Tax Flyover Ahmedabad: અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલ સ્થિત ફ્લાયઓવર (Flyover) બ્રિજમાં જોવા મળેલી ખામીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે ફ્લાયઓવર બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં લગાવવામાં આવેલા કેટલાક બોલ્ટ ઢીલા પડ્યા હતા, જેને પગલે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઈન્કમટેક્સ ફ્લાયઓવર (Flyover) ગેરંટી પીરિયડ હેઠળ
AMCના જણાવ્યા મુજબ, બ્રિજની મુખ્ય સ્ટ્રક્ચરલ સલામતીને કોઈ નુકસાન થયું નથી. માત્ર જોઈન્ટના બોલ્ટ ફરીથી મજબૂત રીતે ફિટ કરવાની જરૂર હતી. હાલ સિમેન્ટ પૂરાઈને બોલ્ટને ફરીથી મજબૂત રીતે ફિટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ઈન્કમટેક્સ ફ્લાયઓવર (Flyover) હજુ પણ ગેરંટી પીરિયડ હેઠળ હોવાથી કોન્ટ્રાક્ટર કંપની રણજીત બિલ્ડકોન દ્વારા જ રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.

નિરીક્ષણ બાદ સામે આવી ખામી
ઉલ્લેખનીય છે કે, સુભાષ બ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ ફ્લાયઓવર (Flyover) બ્રિજમાં પણ ક્ષતિ સામે આવી છે. બ્રિજના સ્પાન વચ્ચેના જોઈન્ટ્સ ખુલ્લા પડ્યા હોવાની સાથે તેને ફિટ કરવા માટે લગાવવામાં આવેલા કેટલાક સ્ક્રૂ પણ બહાર આવી ગયા હોવાનું નિરીક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું હતું.
માત્ર 6 વર્ષ અગાઉ અંદાજે 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજમાં આ પ્રકારની ખામી સામે આવતા શહેરમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં જ કોર્પોરેશન દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવા છતાં આટલી મોટી ખામી નજરચૂકી જવી એન્જિનિયરોની કામગીરી પર સવાલ ઊભા કરે છે.
બેરિકેટિંગ ન થવા પર સવાલ
સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં એ બાબતે પણ નારાજગી જોવા મળી રહી છે કે, ખામી સામે આવ્યા બાદ પણ તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી. રોજ હજારો વાહનો આ ફ્લાયઓવર પરથી પસાર થાય છે, ત્યારે સુરક્ષા પગલાં લેવામાં મોડું થવું જોખમ ઉભું કરી શકે છે.
AMC તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે, રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને બ્રિજ સંપૂર્ણ રીતે સલામત છે. સાથે જ આગળથી આવા મુદ્દાઓ ન સર્જાય તે માટે વધારાની તપાસ અને મોનિટરિંગ કરવામાં આવશે.
