Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજો અને ફ્લાયઓવરની ગુણવત્તા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સુભાષ બ્રિજમાં તિરાડો અને ક્ષતિઓ સામે આવ્યા બાદ હવે શહેરના વ્યસ્ત ઇન્કમ ટેક્સ ચોકડી પાસેના ફ્લાયઓવરમાં (Income Tax Flyover) પણ ગંભીર ખામીઓ જોવા મળી છે. આ ફ્લાયઓવરના સ્પાન વચ્ચેના જોઇન્ટ્સ ખુલ્લા પડી ગયા છે અને તેને જોડવા માટે લગાવેલા સ્ક્રૂ પણ નીકળી ગયા છે, જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે.
ઇન્કમ ટેક્સ ફ્લાયઓવરમાં (Income Tax Flyover) ગંભીર ખામીઓ

આશ્ચર્યની વાત એ છે કે આ ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર (Income Tax Flyover) માત્ર 6 વર્ષ જૂનો છે. 2019માં આશરે 57-65 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ ફ્લાયઓવર શહેરના મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર આવેલો છે અને દરરોજ હજારો વાહનો તેના પરથી પસાર થાય છે. જુલાઈ મહિનામાં AMC દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવા છતાં આટલી મોટી ખામીઓ કેવી રીતે રહી ગઈ તેને લઈને એન્જિનિયરિંગ અને જવાબદારીના મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર બ્રિજની (Income Tax Flyover) હાલત જોખમી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ બેરિકેડિંગ અથવા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી. આના કારણે વાહનચાલકો અને મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં આ મુદ્દે ભારે રોષ વ્યાપ્ત છે. એક સ્થાનિકે કહ્યું કે, “કરોડોના ખર્ચે બનતા બ્રિજો આટલી જલ્દી જર્જરિત થઈ જાય તો તંત્રની જવાબદારી કોણ નક્કી કરશે?”
આ ઘટના સુભાષ બ્રિજની સમસ્યા પછી સામે આવી છે, જ્યાં તાજેતરમાં તિરાડો સામે આવતાં બ્રિજને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો અને તેના પુનર્નિર્માણની યોજના બની રહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બ્રિજ અને ફ્લાયઓવરમાં ક્ષતિઓ સામે આવી છે, જેમાં ગુણવત્તા, કોન્ટ્રાક્ટર્સની કામગીરી અને નિરીક્ષણની બેદરકારી પર આંગળી ચીંધાઈ રહી છે.
