USA News/ વેનેઝુએલા તેલ મુદ્દે ટ્રમ્પ-ભારત સમજૂતી તરફ, રિલાયન્સને લીલી ઝંડી?

અમેરિકી નિયમો હેઠળ ફરીથી વેનેઝુએલા (Venezuela)થી તેલ ખરીદવાની મંજૂરી મળે, તો કંપની આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરશે

Top Stories World
Venezuela

Usa News : અમેરિકા હવે ભારતને તેની દેખરેખ હેઠળ વેનેઝુએલા (Venezuela) પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપવા તૈયાર હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતની વધતી ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય પર કામ ચાલી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવે તો, અમેરિકી પ્રતિબંધોના કારણે અટકેલો વેનેઝુએલાનો તેલ વેપાર ફરી શરૂ થઈ શકે છે.

Venezuela પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી મેળવવા માટે પ્રયત્નો શરૂ

મીડિયા રિપોર્ટ મુજબ, ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ અમેરિકા પાસેથી લાઇસન્સ લઈને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, જો અમેરિકી નિયમો હેઠળ બિન-અમેરિકી કંપનીઓને વેનેઝુએલા (Venezuela) નું તેલ ખરીદવાની મંજૂરી મળે, તો રિલાયન્સ ફરીથી તેલ આયાત શરૂ કરી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં વિશ્વની મોટી તેલ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન ટ્રમ્પે વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનાં રોકાણની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા નક્કી કરશે કે કઈ કંપનીઓ વેનેઝુએલામાં જઈને રોકાણ કરશે અને ઉત્પાદન કરશે.

અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઈટે જણાવ્યું હતું કે અમેરિકા હવે વેનેઝુએલાનું તેલ લગભગ તમામ દેશોને વેચવા તૈયાર છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા અમેરિકી સરકારના નિયંત્રણ હેઠળ રહેશે. ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, વેનેઝુએલાનું તેલ વૈશ્વિક બજારમાં ફરી ખુલ્લું મૂકવામાં આવશે, પરંતુ વેચાણથી થતો નફો અમેરિકી સરકારના ખાતામાં જશે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વેનેઝુએલાના તેલમાંથી થતો નફો અમેરિકા, વેનેઝુએલા (Venezuela) અને તેલ કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે કંપનીઓએ રોકાણ કરવું પડશે અને તેમને ઝડપથી વળતર પણ મળવું જોઈએ. આ ફોર્મ્યુલા અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે.

બેઠકમાં એક્સોન મોબીલ, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી મોટી કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે એક્સોન મોબીલના CEO ડેરેન વુડ્સે કહ્યું હતું કે હાલ વેનેઝુએલામાં રોકાણ કરવા યોગ્ય વાતાવરણ નથી, કારણ કે ભૂતકાળમાં કંપનીની સંપત્તિઓ બે વાર જપ્ત કરવામાં આવી હતી. તેમ છતાં, યોગ્ય નીતિગત ફેરફારો થાય તો કંપની પાછી ફરવાની સંભાવના વ્યક્ત કરી છે.

ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વેનેઝુએલા અમેરિકા ને 3થી 5 કરોડ બેરલ પ્રતિબંધિત તેલ સોંપશે. આ તેલ બજાર ભાવે વેચવામાં આવશે અને એમાંથી મળનારી રકમ પર અમેરિકી સરકારનું નિયંત્રણ રહેશે. અંદાજે 5 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત હાલના ભાવ મુજબ લગભગ 25 હજાર કરોડ રૂપિયા થાય છે.

Venezuela પાસે વિશ્વનો સૌથી મોટું તેલ ભંડાર

વેનેઝુએલા (Venezuela) પાસે વિશ્વનું સૌથી મોટું તેલ ભંડાર હોવા છતાં તે વૈશ્વિક સપ્લાયનો માત્ર 1 ટકા જેટલો હિસ્સો આપે છે. 2019માં અમેરિકાએ વેનેઝુએલાની સરકારી તેલ કંપની PDVSA પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, જેના કારણે તેની તેલ નિકાસ લગભગ બંધ થઈ ગઈ હતી. સેકન્ડરી સેંક્શન્સના કારણે ભારત સહિતના ઘણા દેશોએ વેનેઝુએલાથી તેલ ખરીદવાનું ઘટાડ્યું હતું.

ભારત અગાઉ વેનેઝુએલાનો મોટો ગ્રાહક હતો. 2018માં ભારતની કુલ ક્રૂડ આયાતમાં વેનેઝુએલાનો હિસ્સો 6.7 ટકા હતો, પરંતુ પ્રતિબંધો બાદ આ આયાત લગભગ શૂન્ય થઈ ગઈ. 2023-24 દરમિયાન પ્રતિબંધોમાં થોડી ઢીલ આપવામાં આવતા ભારતે ફરી મર્યાદિત માત્રામાં તેલ ખરીદ્યું હતું, પરંતુ 2025માં ફરીથી કડકાઈ આવતાં આયાત અટકી ગઈ.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે અને તેની લગભગ 88થી 89 ટકા તેલ જરૂરિયાત આયાત પરથી પૂરી થાય છે. 2025માં ભારતનો દૈનિક તેલ વપરાશ અંદાજે 5.74 મિલિયન બેરલ હતો, જે 2026માં વધીને લગભગ 5.99 મિલિયન બેરલ થવાની શક્યતા છે.

રિપોર્ટ મુજબ, ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન તેલ ખરીદવા બાબતે દબાણ વધારવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વેનેઝુએલા (Venezuela) નું તેલ રિલાયન્સ માટે રશિયન તેલનો વિકલ્પ બની શકે છે. રિલાયન્સ પાસે ગુજરાતમાં આવેલ વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પ્લેક્સ છે, જેની ક્ષમતા આશરે 14 લાખ બેરલ પ્રતિદિન છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અગાઉ પણ અમેરિકી લાઇસન્સ હેઠળ વેનેઝુએલાથી તેલ ખરીદ્યું હતું. 2025ના પ્રથમ ચાર મહિનામાં PDVSAએ રિલાયન્સને ચાર જહાજો દ્વારા સરેરાશ 63,000 બેરલ પ્રતિદિન તેલ મોકલ્યું હતું. જોકે માર્ચ-એપ્રિલ 2025માં અમેરિકાએ મોટા ભાગના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ મે 2025માં છેલ્લું જહાજ ભારત પહોંચ્યું હતું.

રિલાયન્સે તાજેતરમાં જણાવ્યું છે કે જો અમેરિકી નિયમો હેઠળ ફરીથી વેનેઝુએલા (Venezuela) થી તેલ ખરીદવાની મંજૂરી મળે, તો કંપની આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વેનેઝુએલાના કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ગોળીબાર, ડ્રોન દેખાતા કાર્યવાહી

આ પણ વાંચો: વેનેઝુએલાના સમર્થનમાં ભારતનું નિવેદન, જાણો અમેરિકન કાર્યવાહી પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?

આ પણ વાંચો: વેનેઝુએલાના પર યુએસ ત્રાટક્યું, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકાએ કરી ધરપકડ