અમદાવાદ: ગુજરાતમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત રૂપ થાય તેમ શનિવારે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો. જેના કારણે રાજ્યના સાત જિલ્લાના ૨૬ તાલુકાઓમાં વરસાદનું આગમન થયું હતું. આ ઉપરાંત ગત મોડી રાત્રે ત્રણ વાગે સુરતમાં પણ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું. વાવાઝોડાના કારણે સુરત શહેરમાં ૪૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે.

સુરત શહેરમાં શનિવારે મધરાત્રે અચાનક વાવાઝોડું ફૂંકાતા અનેક મકાનોના છાપરાં ઉડી ગયા હતા. માલધારીઓના પશુઓ ભારે હેરાન પરેશાન થયા હતા. આ ઉપરાંત ફૂટપાથ ઉપર રૈન બસેરા કરીને પોતાનું જીવન વ્યતિત કરતા અનેક શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અડધી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ફૂટપાથ પર રૈન બસેરા કરતા શ્રમજીવીઓને સ્થળાંતર કરવાનો અવસર મળ્યો ન હતો.

જયારે બીજી તરફ શનિવારે મોડી રાત્રે ત્રણથી પોણા ચાર વાગ્યા સુધીના પોણા કલાકમાં વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે શહેરભરમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોવાના ફોન કોલ ફાયરબ્રિગેડ વિભાગની ટીમને મળતા રહ્યા હતા. સવાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪૦થી વધુ વૃક્ષો પડી ગયા હોવાના ફોન કોલ આવ્યા હતા.
આ અગાઉ શનિવારે બપોર બાદ રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ભરૂચ અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં પાંચ તાલુકાની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. જેના કારણે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ થોડા ઘણાં અંશે રાહત મેળવી હતી.

રાજ્યમાં મેઘરાજાએ વહેલું આગમન કર્યું હતું તેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં નોંધાયો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે તોફાન અને વાવાઝોડા સાથે ત્રણ ઇંચ, લીલિયામાં દોઢ ઇંચ, ધારીમાં 11 મી.મી., અમરેલીમાં સાત મી.મી. અને લાઠીમાં 7 મી.મી. વરસાદ નોંધાયો હતો.
