MANTAVYA Vishesh/ અરવલ્લી ફક્ત પર્વતમાળા નહીં ભારતની પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળાનું જે અર્થઘટન કર્યુ છે અને તેની 100 મીટરથી નીચેની ટેકરીઓને પર્વતમાળાની વ્યાખ્યાની બહાર કરી દીધી છે તે જોતાં એમ જ લાગે છે કે કોર્ટે પોતે જ અગાઉના પ્રકૃતિવિદોના નિરીક્ષણોને ધ્યાનમાં લીધા નથી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી પથરાયેલી 650 કિલોમીટરની લાંબી પર્વતમાળા ફક્ત પર્વતમાળા જ નથી, પણ આખા ઉત્તર ભારતમાં રણને આગળ વધતી અટકાવતી અભેદ પ્રાકૃતિક દીવાલ છે.

Mantavya Vishesh

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળાનું જે અર્થઘટન કર્યુ છે અને તેની 100 મીટરથી નીચેની ટેકરીઓને પર્વતમાળાની વ્યાખ્યાની બહાર કરી દીધી છે તે જોતાં એમ જ લાગે છે કે કોર્ટે પોતે જ અગાઉના પ્રકૃતિવિદોના નિરીક્ષણોને ધ્યાનમાં લીધા નથી. ગુજરાતથી લઈને દિલ્હી સુધી પથરાયેલી 650 કિલોમીટરની લાંબી પર્વતમાળા ફક્ત પર્વતમાળા જ નથી, પણ આખા ઉત્તર ભારતમાં રણને આગળ વધતી અટકાવતી અભેદ પ્રાકૃતિક દીવાલ છે.

અરવલ્લીની પર્વતમાળા જ ન હોય તે સ્થિતિના કલ્પના કરી જુઓ. આજે જો આ પર્વતમાળા ન હોય તો રાજસ્થાનમાં થરનું રણ ઉત્તર ભારતમાં છેક ગંગાના મેદાનો સુધી અને મધ્ય ભારતમાં વિધ્યાંચલ પર્વત સુધી વિસ્તરી ચૂક્યું હોત. આજે ગુજરાત અને રાજસ્થાનમાં જે વરસાદ પડે છે તે પણ અરવલ્લીની પર્વતમાળાને આભારી છે. આ સિવાય અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નદીઓ એક કરોડથી પણ વધુ લોકો માટે પીવાના પાણીનો સ્ત્રોત છે. આ ઉપરાંત આખી પર્વતમાળા પોતે પશ્ચિમ ભારતનો કુદરતી પ્રાકૃતિક પાણીનો ભંડાર છે. આ પર્વતમાળા કેટલીય નદીઓનું ઉદગમસ્થાન છે.

અરવલ્લીની પર્વતમાળા ભારતની પ્રાકૃતિક સંપદા છે અને તે 20 ફોરેસ્ટ રિઝર્વ, બે ટાઇગર રીઝર્વ સહિત વનસૃષ્ટિ સહિત સમગ્ર જળભંડારોને આ રિચાર્જ કરે છે. આ સંજોગોમાં પર્વતમાળાના 100 મીટરથી નીચા પર્વતોને પર્વતની કેટેગરીમાં ન ગણવા તે એક રીતે ખનન માફિયાઓને ખાણકામ કરવા માટેની સીધી છૂટ આપવા સમાન છે. સુપ્રીમના ચુકાદામાં તો એમ પણ જણાવાયું છે કે અરવલ્લીની પર્વતમાળા જે ક્ષેત્રમાં 500 મીટરથી વધુ દૂર હોય અને તેમા 100 મીટરની ઊંચાઈની પહાડીઓ હોય તો તે અરવલ્લીનો ભાગ ગણાશે નહીં. આ વ્યાખ્યાના આધારે તો ભવિષ્યમાં અરવલ્લીમાં મોટાપાયા પર ખનનની મંજૂરી મળી શકે છે.

આજે આખા દિલ્હી શહેરની રચનાનું કારણ અરવલ્લીની પર્વતમાળા અને બીજુ યમુના નદી છે. અરવલ્લીની પર્વતમાળા તેના માટે પ્રાકૃતિક ઢાલનું કામ કરે છે અને બીજી બાજુએ યમુના તેના જળસ્ત્રોત પૂરા પાડે છે. અરવલ્લીના જંગલો ભારતમાં સૌથી જૂના જંગલોમાં એક મનાય છે. તેને હિમાલયથી પણ વધુ જૂના માનવામાં આવે છે. ગુજરાતમાંથી શરૂ થતી આ પર્વતમાળાના ગુજરાતના હિસ્સાનો તો ખુડદો જ બોલી ગયો છે તેમ કહી શકાય, થોડા ઘણા અવશેષો બાકી છે જે આગામી પાંચેક વર્ષમાં ખતમ થઈ જશે તેમ નિષ્ણાતો જણાવે છે. અહીં વૈવિધ્યપૂર્ણ વનસૃષ્ટિ આવેલી છે. તેના આધારે દિલ્હીમાં જૈવવૈવિધ્યતા પાર્ક પણ બનાવવામાં આવ્યા છે.

પ્રકૃતિવિદોનું કહેવું છે કે આ પર્વતમાળા 40 મીટર ઊંચી હોય તો તે કુદરતી ઢાલ છે. તે ઉનાળાની લૂને રોકે છે. તેની સાથે જૈવિક સૃષ્ટિ માટે મહત્વનો નિવાસ પણ છે. હવે સરકાર પોતે તેની માલિક થવા બેઠી છે ત્યારે અરવલ્લીની પર્વતમાળાએ પોતાના અસ્તિત્વને બચાવવાનો જંગ પોતે જ લડવો પડશે કે શું તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સરકારે અરવલ્લીની પર્વતમાળાને માપવા માટે 2005માં સુપ્રીમે જ નક્કી કરેલા માપદંડોને બદલી નાખ્યા છે.

સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2005માં આપેલા ચુકાદામાં પર્વતોની ઊંચી સપાટી દરિયાની ઊંચી સપાટીથી નહીં પરંતુ લોકલ રીલિફ એટલે કે સ્થાનિક જમીનથી 100 મીટર ઊંચી ગણવા લોએસ્ટ કોન્ટુર લાઇન એન્સર્કિંગ ધ લેન્ડ ફોર્મ એટલે કે જે ટેકરીથી પહાડ માપવાનો હોય તેને ફરતેની જમીનથી સૌથી નીચેની રેખા જેને કોન્કર લાઇન ઓળખવામાં આવે છે તેને પાયા તરીકે ગણવામાં આવશે, ત્યાંથી 100 મીટર ઊંચા પહાડોને પહાડો ગણવામાં આવશે, તેમા તેની બીજા એટલે કે જોડેના ભાગો પણ આવી જશે તેમ જણાવ્યું હતું.

અરવલ્લીની 12081 ટેકરી છે, તે જૂની વ્યાખ્યામાં આવી શકતી ન હતી. તેની સામે 100 મીટરથી ઊંચી 1,048 ટેકરીઓ છે જે તેનું અસ્તિત્વ ગુમાવશે. આમ નવી વ્યાખ્યા મુજબ અરવલ્લીનો 90 ટકા હિસ્સો તેની પર્વતમાળા જ નહીં કહેવાય. તેના કારણે 90 ટકા અરવલ્લી પોતાની ઓળખ ગુમાવશે. કેન્દ્ર સરકારે આ વ્યાખ્યા સ્વીકારી છે. આનો સીધો અર્થ એમ થાય કે એક પહાડથી 500 મીટર દૂર બીજો પહાડ 100 મીટરથી ઓછો હશે તો તે અરવલ્લીના પર્વતની વ્યાખ્યામાં નહીં આવે.

આ અંગે પાછો સરકાર દાવો કરે છે કે આ નિયમ અરવલ્લીના ફક્ત 10 ટકા વનવિસ્તારને જ લાગુ પડશે, બાકીનું 90 ટકા સુરક્ષિત રહેશે. હવે બધા અર્થઘટનોને બાજુએ મૂકીએ તો તે હકીકત છે કે અરવલ્લીનું માહાત્મ્ય અને તેનું અસ્તિત્વ ચિરકાળ સુધી જળવાઈ રહેવું જોઈએ. સરકારે અરવલ્લી અંગે જે પ્રકારનો માપદંડ અજમાવ્યો છે તે આખા દેશમાં લાગુ પાડવામાં આવે તો દેશના મોટાભાગના હિસ્સામાં કુદરતી રીતે સર્જાયેલા પહાડો અને ટેકરીઓએ તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ આ ચુકાદાથી થયું છે. આમ આ ચુકાદો અરવલ્લી પૂરતો જ મર્યાદિત નથી, દેશની લગભગ બધી જ કુદરતી સંપત્તિઓને અસર કરનારો છે અને તેના અસ્તિત્વને ફટકો મારનારો પણ નીવડી શકે છે.

ખનન માફિયાઓ અને ભૂમાફિયાઓ સરકારી જમીનને પણ છોડતા નથી અને તેના પર દબાણ કરીને ત્યાં ખાણકામ કરે છે તો એક વખત તંત્ર તરફથી જ છૂટ મળી જાય તો તે જંગલનું રૂવેરુંવુ બાકી ન મૂકે. ખાણકાની સાથે લાકડાની હેરાફેરી એક જાણે અલિખિત અને સર્વસામાન્ય નિયમ બની જાય. આ લાકડાની ચોરીના કારણે ઉત્તરથી લઈને દક્ષિણના જંગલોનું નિકંદન નીકળી ગયું છે. આ બધુ અત્યાર સુધી ગેરકાયદે અને બેરોકટોક ચાલી જ રહ્યુ છે, પરંતુ તેમની આ લૂંટને આ કાયદાના કારણે હવે જાણે સરકારી સમર્થન મળ્યું છે. આમ દેશની અભેદ મનાતી પ્રાકૃતિક સંરક્ષણ દીવાલ તેના જ સંરક્ષકોના કારણે ભયમાં મૂકાઈ છે. તંત્રનું આવું જ વલણ રહેશે તો પછીની પેઢીઓમાં અરવલ્લીની પર્વતમાળા ફક્ત થ્રીડી ઇમેજિસમાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો