MANTAVYA Vishesh/ OBC અનામતઃ સમૃદ્ધો બાકાત, જરૂરિયાતમંદોનો સમાવેશ

OBC અનામત લાંબા સમયથી સળગતો મુદ્દો રહ્યો છે. રાજકીય પક્ષોએ આના આધારે તેમના રોટલા શેકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજી સુધી આખા OBCને સંતોષ મળે તેવો કોઈ ઉકેલ લાવી શકાયો નથી. OBC સમાજના નીચલા વર્ગો આજે પણ આ લાભથી વંચિત છે.

Mantavya Vishesh

OBC અનામત લાંબા સમયથી સળગતો મુદ્દો રહ્યો છે. રાજકીય પક્ષોએ આના આધારે તેમના રોટલા શેકવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજી સુધી આખા OBCને સંતોષ મળે તેવો કોઈ ઉકેલ લાવી શકાયો નથી. OBC સમાજના નીચલા વર્ગો આજે પણ આ લાભથી વંચિત છે. જ્યારે તેના ટોચના હિસ્સાએ અનામતનો લાભ મેળવ્યો છે. આમ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર પ્રીસીઝન સ્ટ્રાઇક કરી હતી તેવી જ સ્ટ્રાઇક સરકાર અનામતને લઈને કરવા માંગે છે. સરકારની કવાયતનું ધ્યેય એવું છે કે જે પણ જરૂરિયાતમંદ છે તેને અનામત મળે અને સમૃદ્ધ હોય તેમાથી આપમેળે બાકાત થઈ જાય.

કેન્દ્ર સરકારે હવે OBC અનામતના લાભ નીચલા સ્તર સુધી પહોંચાડવા માટેની દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. સરકાર હાલમાં અન્ય પછાતવર્ગો માટે નવા માપદંડો લાગુ કરવા માંગે છે, જેથી સમાજનો નીચલો વર્ગ પણ સમૃદ્ધ બને. તેની સાથે આ જ સમાજના સમૃદ્ધ થયેલા લોકોને તેમાથી બાકાત રાખી શકાય. આમ અત્યાર સુધી જે લોકો આ લાભથી વંચિત રહી ગયા છે તેમના સુધી સરકાર લાભ પહોંચાડવા માંગે છે.  આમ સરકાર આર્થિક સમૃદ્ધિમાં તળિયે રહી ગયેલા OBCના વર્ગો સુધી તેની નવી OBC અનામતના લાભ પહોંચાડવા માંગે છે, જ્યારે અગાઉ તેનો લાભ લઈને સમૃદ્ધ થયેલાને બાકાત રાખવા માંગે છે.

આ માટે કેન્દ્રએ રાજ્ય સરકારો સાથે સલાહમસલત કરી છે. કેન્દ્ર સરકાર આ અનામતને કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓમાં, કેન્દ્રીય સાહસો અને રાજ્યના જાહેર સાહસોમાં, સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓમાં તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં પણ લાવવા વિચારી રહી છે. આના માટે વર્તમાન અનામત નીતિમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલાં મરાઠા અનામત આંદોલન થયું હતું, સરકાર હવે તેવી સ્થિતિ લાવવા માંગે છે કે અનામતને લઈને કોઈ આંદોલન જ ન થાય, પછી તે SC, ST હોય કે OBC હોય. આ માટે સામાજિક ન્યાય-સશક્તીકરણ વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગ, કાયદાકીય મંત્રાલય, જાહેર સાહસ મંત્રાલય, રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગ, શ્રમ-રોજગાર મંત્રાલય, શિક્ષણ મંત્રાલય વચ્ચે સલાહમસલત કરવામાં આવ્યા પછી આ અંગેની દરખાસ્તને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત 1992માં ઇન્દિરા સાહની વિ. ભારત સરકાર સામેના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા સીમાચિન્હરૂપ ચુકાદા પછી ક્રીમીલેયરની વિભાવનાને અનામત નીતિમાં સમાવવામાં આવી હતી. મંડલ પંચની ભલામણોના આધારે OBCના નોન-ક્રીમીલેયરને કેન્દ્ર સરકારની ભરતીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં 27 ટકા અનામત આપવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકારોમાં અનામતની આ જ ટકાવારી બદલાઈ જાય છે.

હવે કોઈપણ પ્રકારનો માપદંડ ન હોવાથી તથા સમકક્ષતા ન હોવાથી OBCને પ્રમાણપત્રો જારી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય જાહેર સાહસોને લઈને સમકક્ષતાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ સંગઠનોમાં આ અંગેનો નિર્ણય લેવાનો બાકી છે. સરકાર હવે આ બધામાં ક્રીમીલેયર લાગુ પાડવા આતુર છે અને આ દિશામાં ચક્રો ગતિમાન થઈ ગયા હોવાનું કહેવાય છે.

સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલા વસ્તીનો મોટા હિસ્સાને કોઈને કોઈ રીતે લાભાન્વિત કરવા માંગે છે, તેથી આ પ્રકારનું પગલું જો ભરવામાં સફળતા મળશે તો તેને લોકસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળશે તેમ માનવામાં આવે છે. આનો હવે તે રીતે જોઈ શકાય કે રાજ્ય સરકારો અને ઉપર મુજબની બીજી સંસ્થાઓ કેન્દ્રએ દર્શાવ્યા મુજબની સમકક્ષતાનો અમલ કરે તો અગાઉ અનામતનો લાભ મેળવી ચૂકેલાઓના બાળકો ફરીથી અનામતનો લાભ મેળવી શકશે નહીં. ટૂંકમાં અનામતનો લાભ જો પિતાએ લીધો હોય તો પછી તે પુત્રને કે પુત્રીને મળી શકશે નહીં. આ જ રીતે ખાનગી ક્ષેત્રમાં પણ સરકાર વિવિધ પ્રકારના હોદ્દાઓ અને તેમના પગાર તથા વેતન જોઈને સમકક્ષતા સ્થાપવા પ્રયત્નશીલ છે. એટલે કે અહીં પણ જો એક વખત અનામતનો લાભ મેળવવામાં આવ્યો હોય તો ફરીતી તેનો લાભ નહીં મળે.

ભાજપના સાંસદ ગણેશસિંહના અધ્યક્ષપદવાળી સમિતિએ ગયા શુક્રવારે સંસદમાં રજૂ કરેલા આઠમા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2017માં ક્રીમીલેયરમાં આવક ટોચમર્યાદા 6.5 લાખથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ડીઓપીટીના નિયમો મુજબ આ ટોચમર્યાદાની સમીક્ષા દર ત્રણ વર્ષે કરવી જોઈએ.  હવે આ નિયમની સૌથી પહેલી અસર શિક્ષણ વિભાગ પર થશે તેમ માનવામાં આવે છે. સામાન્ય રીતે યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરોનું વેતન વાર્ષિક ધોરણે દસ લાખની મર્યાદા વટાવી જ જાય છે. આ વેતન ગ્રુપ-એના સરકારી હોદ્દાઓની સમકક્ષ કે તેનાથી વધારે હોય છે. સરકારના વર્તમાન પ્રસ્તાવમાં આ હોદ્દાઓને પણ ક્રીમીલેયરમાં વર્ગીકૃત કરવાનું કહેવાયું છે, તેનો અર્થ એમ કરી શકાય કે તેમના બાળકો OBC અનામતને પાત્ર નહીં હોય.

આમ જોવા જઈએ તો સરકાર અનાતમની એક રીતે ટોચમર્યાદા નક્કી કરવા માંગે છે. અનામતનો એક કે બે વખત લાભ લઈને સમૃદ્ધ થઈ જનારાઓને સરકાર હવે તેમાથી બહાર કાઢવા માંગે છે, જેથી અનામતના લાભ વાસ્તવિક જરૂરિયાતવાળાઓ સુધી જ પહોંચાડવાનું સુનિશ્ચિત કરી શકાય. સરકાર આ બધુ રિયલ ટાઇમ ડેટા પ્રોસેસિંગ એટલે કે આધાર કાર્ડના આધારે તથા ચૂંટણી કાર્ડના આધારે તથા વસ્તી ગણતરીના આંકડાના આધારે આ આખી કવાયત કરવા માંગે છે, જેના પગલે અનામત મેળવનારાઓનું અને અનામત ગુમાવનારાઓનું પ્રમાણ પણ વધશે. ટૂંકમાં સમૃદ્ધ લોકો અનામતનો લાભ નહીં લઈ શકે. જ્યારે એક કે બે પેઢી સુધી અનામત મેળવનારાઓ પણ તેનો લાભ મેળવી નહી શકે. તેના પછી આ બંને કેટેગરીમાં જેના સુધી અનામતના લાભ મળ્યા નથી તેવા લોકોને આ અનામતનો લાભ આપવામાં આવશે. જો કે આ એક મહાકાય અને જંગી કવાયત છે. તેના માટે કેન્દ્ર અને રાજ્ય બંનેએ જબરદસ્ત જહેમત લેવી પડશે, પણ જો આમ કરવામાં સફળતા મળી તો તેના ફાયદા પણ તેટલા જ જબરદસ્ત હશે. આના કારણે સમાજનો નોંધપાત્ર હિસ્સો ગરીબીરેખાથી ઉપર લાવી શકાશે તેમ સરકાર માને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો