Jamnagar Food Safety Raid JMC: મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ 60 સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
તહેવારની મજામાં સ્વાસ્થ્યનું ધ્યાન
ઉતરાયણ પર્વને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરની 40 જેટલી ખાદ્ય પદાર્થોની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન તહેવારમાં સૌથી વધુ ખવાતી ચીજો જેવી કે ચીકી અને તલ-રાજગરાના લાડુ, દેશી ગોળ અને શુદ્ધ ઓઈલ, ફાફડા-જલેબી, બેસન અને મસાલેદાર ઊંધિયું આ તમામ ચીજોના કુલ 40 નમૂના લઈને વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

પીવાના પાણીના પ્લાન્ટ્સ પર પણ તપાસ
શહેરમાં ફેલાતા સંભવિત રોગચાળાને અટકાવવા માટે પીવાના પાણીનું વેચાણ કરતા 20 જેટલા એકમો પર પણ JMC દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. પોલીશ ચોકી, રણજીત રોડ, હવાઈ ચોક અને ગ્રેઇન માર્કેટ જેવા વિસ્તારોમાંથી લૂઝ ડ્રિંકિંગ વોટરના 20 નમૂના લેવાયા હતા. આ નમૂનાઓને બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે ઢીચડા ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઉર્ષના મેળામાં પણ JMC દ્વારા ફૂડ ચેકિંગ
આગામી તા. 18 જાન્યુઆરીના રોજ નાગનાથ ગેટ પાસે હઝરત પીર હાજીશાહ ડાડાના ઉર્ષના મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યોજાનાર ન્યાઝના કાર્યક્રમમાં પીરસવામાં આવનારા ‘મીઠા ભાત’નું પણ ફૂડ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરે રસોઈમાં હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: ઉનાળામાં કેરી સીઝનની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ થયું સતર્ક
આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું
આ પણ વાંચો : જામનગરમાં ખજૂરમાંથી નીકળી જીવતી ઇયળ, ફૂડ વિભાગ થયું દોડતું
