Rajgarh Youth Brutality Video: મધ્યપ્રદેશના રાજગઢ (Rajgarh) જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને દોરડાથી બાંધીને તેની સાથે અત્યંત ક્રૂરતા આચરી છે. યુવકને ઢોર માર મારવામાં આવ્યો, કાતરથી તેના વાળ કાપી નાખ્યા અને દાઢી ખેંચીને તેને લોહીલુહાણ કરી દીધો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવકના માથામાંથી લોહી વહેતું સ્પષ્ટ જોઈ શકાય છે.
પોલીસ સ્ટેશનના કાપવા પડ્યા આંટા
રાજગઢ (Rajgarh)નો આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત યુવકની માતા ન્યાય માટે એસપી (SP) ઓફિસ પહોંચી. માતાએ જણાવ્યું કે તેનો પુત્ર શુક્રવારે મજૂરીકામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પરત ફર્યો નહોતો. બાદમાં કોઈ પરિચિતે તેને આ હૃદયદ્રાવક વીડિયો બતાવ્યો, જેમાં તેના પુત્ર પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો.

હદ નક્કી કરવામાં જ સમય બગાડ્યો
ક્રૂરતાનો શિકાર બનેલા પુત્રને ન્યાય અપાવવા માટે એક લાચાર માતા આખો દિવસ પોલીસ મથકોએ ભટકતી રહી, પરંતુ તેને માત્ર ધક્કા જ ખાવા પડ્યા. પહેલા એસપી ઓફિસથી તેને રાજગઢ (Rajgarh) પોલીસ સ્ટેશન મોકલવામાં આવી, જ્યાં અધિકારીઓએ ‘આ કેસ બ્યાવરા વિસ્તારનો છે’ તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. જ્યારે માતા બ્યાવરા પોલીસ પાસે પહોંચી, ત્યારે ત્યાં પણ તેની ફરિયાદ સાંભળવામાં આવી નહીં. પોલીસ તંત્રની આ હદ બહારની ખેંચતાણ અને બેદરકારી વચ્ચે ગુનો આચરનારા આરોપીઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
શા માટે અત્યાચાર ગુજારાયો? હજુ પણ રહસ્ય
પીડિત મહિલા છેલ્લા ૨૦ વર્ષથી તેના ત્રણ પુત્રો સાથે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેણે રડતા રડતા જણાવ્યું કે, “મને હજુ પણ ખબર નથી કે મારા દીકરા સાથે આવી હેવાનિયત શા માટે કરવામાં આવી? તેનો વાંક શું હતો?” બીજી તરફ, પોલીસનું કહેવું છે કે મહિલાએ પુત્રને સગીર ગણાવ્યો હતો પરંતુ આધાર કાર્ડ ન આપ્યું હોવાથી ગુમશુદગીની ફરિયાદ નોંધવામાં વિલંબ થયો. જોકે, મારપીટના ગંભીર વીડિયો અંગે પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત
આ પણ વાંચો: મધ્યપ્રદેશના ગરોથ-ઉજ્જૈન ફોર લેન પર ટાયર ફાટતાં બસ પલટી ગઈ, 40 ઘાયલ
આ પણ વાંચો: મધ્યપ્રદેશના રાયસેનમાં 50 વર્ષ જૂનો પુલ ધરાશાયી થતા ચાર જણા ઈજાગ્રસ્ત
