Dharm & Bhakti: હિન્દુ ધર્મમાં ‘શંકરાચાર્ય‘ એ સૌથી મોટી પદવી ગણાય છે. આદિ શંકરાચાર્ય (Adi Shankaracharya) દ્વારા સમગ્ર ભારતમાં ચાર મઠની સ્થાપના કરવામાં આવેલી છે. સનાતન ધર્મમાં શંકરાચાર્ય બનવા માટેની કસોટી અત્યંત કઠિન માનવામાં આવે છે.

કોણ હતા આદિ શંકરાચાર્ય (Adi Shankaracharya)?
આદિ ગુરુ શંકરાચાર્યને ભગવાન શિવ (Lord Shiva)નો અવતાર માનવામાં આવે છે. સનાતન ધર્મ (Sanatan Hindu Dharm)માં શંકરાચાર્યની પદસ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યે કરી હતી, જે માટે એમણે ભારતમાં ચાર મઠો (Char Math)ની સ્થાપના કરી હતી. ભારતીય સનાતન પરંપરાના વિકાસ, ધર્મના પ્રચાર-પ્રસાર અને હિન્દુ ધર્મના ઉત્થાનમાં આદિ શંકરાચાર્યની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેલી છે. તેઓ અદ્વૈત વેદાંતના પ્રણેતા, સંસ્કૃતના વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને સનાતન ધર્મના સુધારક હતા.

પ્રયાગરાજના સંગમ તટ પર માઘમેળો
પ્રયાગરાજના સંગમ તટ પર આ સમયે ધર્મ અને આસ્થાની દુનિયાનો સૌથી મોટો મેળો અને ધર્મોત્સવ ઉજવાઇ રહ્યો છે. દેશ-વિદેશના લોકો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને પુણ્ય પ્રાપ્તિ કરી રહ્યાં છે. આ માઘમેળા દરમિયાન, શંકરાતાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ સુર્ખીઓમાં છે. વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી મૌની અમાવસ્યા (Mauni Amavasya) પર સંગમમાં સ્નાન કરવા બાબતે અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય હોવા પર પ્રશ્વ ઉપસ્થિત થયા છે અને એમને નોટિસ પાઠવીને પૂછવામાં આવ્યું છે કે, એ જ્યોતિર્પીઠના શંકરાચાર્ય કઇ રીતે છે? આ તમામ વિવાદો વચ્ચે જાણીએ કે હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય શું હોય છે અને એ કેવી રીતે બનાય છે? સનાતન ધર્મમાં આ ઉપાધિ અર્થાત્ શીર્ષકનું શું મહત્વ છે?

આદિ ગુરુ શંકરાચાર્ય…સનાતન ધર્મની ચાર પીઠના સ્થાપક
હિન્દુ પંચાંગ અનુસાર, આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ 8 મી સદીમાં વૈશાખ માસના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ કેરળના કાલડી ગામના એક નામ્બુદરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યમ્બા હતુ. માતા-પિતા બંને ધર્મ શાસ્ત્રોનું સારું એવું જ્ઞાન ધરાવતા હતા. એમનુ બાળપણનું નામ શંકર હતુ જે પાછળથી આદિ ગુરુ શંકરાચાર્ય ના નામથી વિખ્યાત બન્યા હતા. એવું કહેવાય છે કે, આદિ શંકરાચાર્યે કેવળ 3-4 વર્ષની વયે પોતાની મલયાલમ ભાષા શીખી લીધી હતી. 8 વર્ષની નાની ઉંમરમાં તો એ ચારેય વેદોમાં પારંગત થઇ ચૂક્યા હતા અને એમણે એ કંઠસ્થ હતા. માત્ર 12 વર્ષની વયે એ તમામ શાસ્ત્રોમાં વિદ્વાન થઇ ગયા હતા તથા 32 વર્ષની યુવાન વયે તો એમણે શરીર ત્યાગ કરી દીધું હતુ!
ચારેય દિશાઓમાં ચાર પીઠ આજે ચાર ધામ તરીકે પ્રસિદ્ધ
અલ્પાયુમાં અદિ ગુરુ શંકરાચાર્યે ચારેય દિશાઓમાં ચાર પીઠ (Four Monasteries)ની સ્થાપના કરી હતી જે આજે ચાર ધામ (Char Dham) તરીકે પ્રસિદ્ધ છે. તેમણે 3 વખત આખા ભારતનું ભ્રમણ (Bharat Yatra) કર્યું હતુ.જગન્નાથ પુરી (Jagannath Puri)માં ગોવર્ધન પુરી મઠ, રામેશ્વરમ્ (Rameswaram)માં શ્રંગેરી મઠ, દ્વારકા (Dwarka)માં શારદા મઠ, બદ્રીનાથ (Badrinath)માં જ્યોતિર્મઠ ની એમણે સ્થાપના કરી હતી. આ અદ્ભૂત કાર્ય સંપન્ન કરીને એમણે કેવળ 32 વર્ષની વયે આદિ શંકરાચાર્યે હિમાલય જઇને સમાધિ લઇ લીધી હતી!
કેવળ 32 વર્ષની વયે સમાધિ લીધી
આદિ ગુરુ શંકરાચાર્ય દેશના ચારે દિશાઓમાં ચાર પીઠની સ્થાપના અને આ ચારેય પીઠોમાં પોતાના શિષ્યોને પીઠાધિશ્વર નિયુક્ત કરીને કેદારનાથ ચાલ્યા ગયા અને અહિં જ 32 વર્ષની વયે સમાધિ (Samadhi) લઇ લીધી હતી. આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિ પછી આ ચારેય મઠોમાં આજ દિવસ સુધી શંકરાચાર્ય સ્થાપિત કરવાની પરંપરા જળવાયેલી રહી છે.

શંકરાચાર્યની વરણી શી રીતે થાય છે?
આ ચારેય મઠોમાં શંકરાચાર્યની પસંદગી માટે એક લાંબી અને ઘણી જટીલ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.
બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો અને સંન્યાસી હોવું જરુરી
શંકરાચાર્ય બનવા માટે બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો અને સંન્યાસી (Brahmin & Sanyasi) હોવું જરુરી છે. એક સંન્યાસીએ ગૃહસ્થ જીવનનો ત્યાગ, મુંડન, પિંડદાન અને રુદ્રાક્ષ ધારણ કરવાનું શંકરાચાર્ય બનવાની પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શંકરાચાર્યની પદવી પર વિરાજમાન થનારા સંન્યાસીને ચારેય વેદ અને છ વેદાંગોનું જ્ઞાન હોવું જોઇએ અને આ ઉપરાંત, એ વ્યક્તિનું તન-મનથી પવિત્ર હોવું જરુરી ગણાય છે.
કાશી વિદ્વત પરિષદની સહમતિ લેવી આવશ્યક
શંકરાચાર્યની ઉપાધિ અર્થાત્ પદવી પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ શંકરાચાર્યોના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો આ તમામની સંમતિ અને કાશી વિદ્વત પરિષદની સહમતિ લેવી આવશ્યક હોય છે. ત્યાર પછી જ જે-તે વ્યક્તિને શંકરાચાર્યની પદવી પ્રાપ્ત થાય છે.
ચાર મઠ પૈકી કોઈ એત મઠના શંકરાચાર્યની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ અન્ય મઠના પ્રમુખો સાથે જ થાય છે. મઠોના પીઠાધિકારીઓ કોઇ એક યોગ્ય તથા વિદ્વાન ઉમેદવારની પસંદગી કરે છે. પછી આ પ્રસ્તાવને આચાર્ય મહામંડલેશ્વરો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. આચાર્ય મહામંડલેશ્વર ઉમેદવારના વેદ, શાસ્ત્ર જ્ઞાન અને યોગ્યતાની પરખ કરે છે પછી એ યોગ્ય ઉમેદવારને પ્રતિષ્ઠિત સંતોની સભા સમક્ષ રજૂ કરે છે.
ત્યાર બાદ આ સભા સમક્ષ ઉમેદવારે એક પરીક્ષા આપવાની રહે છે જેમાં જ્ઞાન, દર્શન અને આધ્યાત્મિકતાની કસોટી કરવામાં આવે છે. જો ઉમેદવાર આ કસોટીમાં સફળ થાય છા તો એને કાશી વિદ્વત પરિષદ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે. કાશી વિદ્વત પરિષદ (Kashi Vidwat Parishad) શંકરાચાર્યની પદવી માટે આવેલા ઉમેદવારની યોગ્યતાનું આખરી મૂલ્યાંકન કરે છે અને એ વ્યક્તિને ‘શંકરાચાર્ય’ શીર્ષક અને પદવી (Shankaracharya’s Title) પ્રદાન કરવામાં આવે છે.

આદિ શંકરાચાર્યની સમાધિ
કેવળ 32 વર્ષની વયે આદિ શંકરાચાર્યે હિમાલય જઇને સમાધિ લઇ લીધી હતી! તેમની સમાધિ હાલ હિમાલય ખાતે કેદારનાથ (Kedarnath) ધામમાં સ્થિત છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ…
