Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં અચાનક પડેલા ધોધમાર કમોસમી વરસાદે (Unseasonal Rains) ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ, આનંદપુર સહિત અનેક ગામોમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે.
જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને આ સમયગાળામાં કેસર કેરીના પાકને પકવતા ખેડૂતો માટે આ વરસાદ મોટો ફટકો સાબિત થઈ શકે છે.
કેસર કેરીના પાક પર અસરની ભીતિ

ગીર સોમનાથની ઓળખ ગણાતી કેસર કેરી હાલમાં પકવાની અવસ્થામાં છે. આ સમયે જો વધુ વરસાદ પડે તો કેરીના ફળ ખરવાની, સડવાની તેમજ ગુણવત્તા બગડવાની શક્યતા વધી જાય છે. ખેડૂતોનું કહેવું છે કે ચાર મહિનાની સતત મહેનત બાદ પાક તૈયાર થતો હોય છે, પરંતુ કમોસમી વરસાદે (Unseasonal Rains)તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
કમોસમી વરસાદ (Unseasonal Rains) થી શિયાળુ પાકને પણ નુકશાનની શક્યતા
કમોસમી વરસાદ (Unseasonal Rains)માત્ર કેરી પૂરતો સીમિત નથી. ઘઉં, ચણા, બાજરી, જુવાર જેવા શિયાળુ પાકો પણ હાલ ખેતરોમાં તૈયાર થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાવાથી પાક પડવાની, દાણા ખરાબ થવાની તેમજ ઉત્પાદન ઘટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોમાં ચિંતા અને નુકશાનનો અંદાજ

જગતના તાત ગણાતા ખેડૂતો પાકને પકવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ અચાનક આવેલા આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે. અનેક ખેડીચારા વિસ્તારોમાં ખેડૂતો ખેતરોમાં દોડી ગયા હતા અને પાક બચાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ફરી વરસાદ પડ્યો તો નુકશાનનો આંકડો વધુ વધી શકે છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરીને સહાયની માંગ પણ કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી પર નજર
હવે ખેડૂતોની નજર હવામાન વિભાગની આગાહી પર છે. જો વાતાવરણ ફરી સાફ થાય તો નુકશાન ઓછું થઈ શકે, પરંતુ જો વરસાદી માહોલ યથાવત રહ્યો તો ખેતી પર ગંભીર અસર થવાની શક્યતા છે.
