લોકડાયરા કલાકાર દેવાયત ખવડને (Devayat Khavad) ચાંગોદર બબાલ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી વધુ સમય માટે હંગામી રાહત મળી છે. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરેન્ડર કરવાની મુદત 23 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે અરજદાર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે અને માથાભારે સ્વભાવ ધરાવે છે. ત્યારબાદ તેમને 9 ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપવામાં આવી હતી, જે હવે વધારીને 23 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવી છે.
શરતી જામીન રદ થવાનો મામલો
દેવાયત ખવડ (Devayat Khavad) વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકે માથાકૂટની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ધરપકડ બાદ તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. શરત મુજબ તેઓ ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં, પરંતુ બાદમાં તાલાલામાં યુવક પર હુમલો કર્યાનો આરોપ લાગતા અમદાવાદ કોર્ટે તેમના શરતી જામીન રદ કરી દીધા હતા. ત્યારબાદ દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
દેવાયત ખવડ સામે નોંધાયેલા ગુનાઓ
હાઈકોર્ટમાં રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે દેવાયત ખવડ (Devayat Khavad) સામે કુલ છ ગુના નોંધાયેલા છે. તેમાં ત્રણ કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા છે, બે કેસમાં સમાધાન થયું છે, જ્યારે એક કેસ હજુ પેન્ડિંગ છે. ચાંગોદર બબાલ કેસમાં હવે 23 ફેબ્રુઆરીએ આગળની સુનાવણી થશે અને ત્યાં સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં.
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન
ચાંગોદર વિસ્તારમાં બનેલા બનાવ બાદ લગભગ પાંચ મહિના પછી દેવાયત ખવડ (Devayat Khavad) અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયું હતું. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદ સમાપ્ત કર્યો હતો. વિવાદની શરૂઆત 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં થઈ હતી, જેના કારણે તેમની કારના કાચ તોડવામાં આવ્યા હતા. બાદમાં 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલા પછી કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી, જોકે 28 ડિસેમ્બરે બંને પક્ષે સમાધાન કરી લીધું હતું.
સમગ્ર વિવાદ અને કેસની વિગતો
20 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના સનાથલ ગામે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેવાયત ખવડ (Devayat Khavad) હાજર ન રહેતાં તેમની કાર પર હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે ધાડની કલમ હેઠળ અનેક લોકો સામે ગુનો નોંધ્યો હતો.
હુમલાના આરોપી ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખવડ સામે આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારથી બંને જૂથ વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી.
12 ઓગસ્ટ, 2025ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે દેવાયત ખવડ (Devayat Khavad) અને તેમના સાથીઓએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે કારથી ટક્કર મારી, લોખંડના ધોકાથી કાચ ફોડ્યા, રિવોલ્વર બતાવી ધમકી આપી અને સોનાનો દોરો લૂંટ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે તાલાલા અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના
આ પણ વાંચો:ગીર સોમનાથ : દેવાયત ખવડના જામીન મંજૂર
આ પણ વાંચો:મધરાતે દેવાયત ખવડે કર્યું તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર
