Iran US Tensions/ ઈરાનનો મોટો દાવો: અમેરિકી સૈનિકને મારવા કે પકડવા પર 28 લાખનું ઈનામ, મહિલાઓ માટે બમણી રકમ

Iran US Tensions: ઈરાને અમેરિકી સૈનિકને પકડવા અથવા મારવા પર 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. ઈરાની મહિલાઓ માટે આ ઈનામ બમણું રાખવામાં આવ્યું છે.

Top Stories World
Iran US Tension

Iran US Tensions: ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાન તરફથી એક મોટો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ઈરાની સેનાએ કોઈ અમેરિકી સૈનિકને પકડનાર અથવા મારનાર વ્યક્તિને 28 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે જો આ કામ કોઈ મહિલા કરશે તો ઈનામની રકમ બમણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઈરાની સેનાના કમાન્ડર-ઇન-ચીફ અમીર હાતમીએ તેહરાનમાં આપેલા ભાષણ દરમિયાન આ યોજના અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, દેશના યુદ્ધ પ્રયાસોમાં આર્થિક રીતે સહયોગ આપવા માંગતા લોકો તરફથી મળેલી અનેક માગણીઓ બાદ ‘ફાઇનાન્સિયલ જિહાદ’ અંતર્ગત આ યોજના તૈયાર કરવામાં આવી છે.

હાતમીએ પોતાના ભાષણમાં અમેરિકાની સૈન્ય શક્તિ અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમનો દાવો હતો કે ચાલી રહેલા સંઘર્ષને કારણે અમેરિકાનું સૈન્ય વર્ચસ્વ નબળું પડ્યું છે અને અનેક દેશો હવે પોતાની સુરક્ષા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યા છે.

તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝની સામુદ્રધુની અંગેના નિવેદનની પણ ટીકા કરી હતી. હાતમીના દાવા પ્રમાણે, અમેરિકી સેનાને અસરકારક રીતે પીછેહઠ કરવાની ફરજ પડી છે અને હવે તેને ફારસની ખાડી, ઓમાન સાગર અથવા હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશવાની મંજૂરી નથી.

ઈરાનનો કતાર પર ગંભીર આરોપ

દરમિયાન ઈરાને કતાર પર તેના ત્રણ પાયલટોને કેદમાં રાખવાનો આરોપ મૂક્યો છે. ઈરાનના જણાવ્યા અનુસાર, 2 માર્ચે અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષના શરૂઆતના દિવસોમાં ત્રણ પાયલટોના Su-24 વિમાન કતારની એર ડિફેન્સ સિસ્ટમની ઝપેટમાં આવ્યા હતા.

ઈરાનનો દાવો છે કે પાયલટોએ પેરાશૂટની મદદથી વિમાનમાંથી બહાર નીકળીને જીવ બચાવ્યો હતો, પરંતુ ત્યારબાદ કતારના અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા.

ગુમ થયેલા ઈરાની સૈનિકોની શોધ કરતી સમિતિના વડા જનરલ સૈયદ મોહમ્મદ બાગેરઝાદેહે રેડ ક્રોસને લખેલા પત્રમાં આ દાવો કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે જવાદ સાલેહી, અબ્દોલમજીદ દશ્તિયાન અને ઓમરાન બેહરાવેશિયન નામના ત્રણ પાયલટનો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અન્ય એક પાયલટ માજિદ કાઝેમીનું મૃત્યુ થયું હતું.

ઈરાને હવે રેડ ક્રોસને ત્રણેય પાયલટોની સ્થિતિ અંગે તપાસ કરવા અને તેમને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવવાની વિનંતી કરી છે.

કતારે ઈરાનનો દાવો ફગાવ્યો

ઈરાનના આરોપોને કતારે નકારી કાઢ્યા છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ કહ્યું છે કે કતારે કોઈ પણ ઈરાની પાયલટને કસ્ટડીમાં લીધો નથી.

કતારના જણાવ્યા પ્રમાણે, ઈરાની વિમાનો તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. અધિકારીઓએ પાયલટોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કતારની સરહદ અને હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

કતારે માર્ચની શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ બે ઈરાની Su-24 વિમાનોને તોડી પાડ્યા હતા. ત્યારબાદ કતારના શોધ અને બચાવ દળોએ પાયલટોની શોધ હાથ ધરી હતી. કતારના જણાવ્યા મુજબ, એક પાયલટનો મૃતદેહ મળ્યો હતો અને તેને ઈરાનને સોંપવા માટે સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.

એપ્રિલમાં કતારે ઈરાનની ટીમને શોધ અને બચાવ કામગીરી અંગે માહિતી આપવા માટે આમંત્રણ આપ્યું હોવાનો પણ દાવો કર્યો હતો. જોકે, કતારના જણાવ્યા પ્રમાણે ઈરાન તરફથી આ આમંત્રણનો કોઈ જવાબ મળ્યો ન હતો.

હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ પરિવહન પર અસર

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ક્રૂડ ઓઈલના પરિવહન પર પણ ગંભીર અસર પડી છે. 28 ફેબ્રુઆરી બાદ અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાઓને પગલે દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે ચિંતા વધી છે.

દરિયાઈ સુરંગો, મિસાઈલ અને ડ્રોન હુમલાનો ખતરો, અમેરિકા-ઈરાન વચ્ચેની નાકાબંધી તથા વધેલા વીમા ખર્ચના કારણે હોર્મુઝ માર્ગે દરરોજ પસાર થતું ક્રૂડ ઓઈલ આશરે 2 કરોડ બેરલથી ઘટીને 37 લાખ બેરલ સુધી પહોંચી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પરિસ્થિતિને કારણે હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ઊર્જા બજાર અને મધ્યપૂર્વની ભૂરાજકીય સ્થિતિ માટે અત્યંત મહત્વનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચો: ઇરાન પર 48 કલાકમાં કબજાનું પ્લાનિંગ નિષ્ફળ; રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાનનો મોટો દાવો

આ પણ વાંચો: ઇઝરાયેલમાં અમેરિકા-ઇરાન શાંતિકરાર અંગે મતભેદ, સુરક્ષા મંત્રી બેન-ગ્વિરે વિરોધ કર્યો

આ પણ વાંચો: ઇરાનના સુપ્રીમ લીડરનો મોટો દાવો- ‘પશ્ચિમ એશિયામાં અમેરિકાનો પ્રભાવ હવે પૂરો, સાથી દેશો ભરોસો છોડી દે’