Junagadh News/ ભવનાથ તળેટીમાં જામશે ભક્તિનો મેળો! 11 ફેબ્રુઆરીથી ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ

જૂનાગઢ ભવનાથ તળેટીમાં 11 થી 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિનો મેળો (Mahashivratri Mela) યોજાશે. ગીતા રબારી, રાજભા ગઢવીના ડાયરા, 400 એક્સ્ટ્રા બસો અને શાહી સ્નાનની સંપૂર્ણ માહિતી.

Gujarat Top Stories Others
Junagadh Mahashivratri Mela 2026

Junagadh Mahashivratri Mela 2026: ગરવા ગિરનારની ગોદમાં આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો પવિત્ર મહાશિવરાત્રિનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે પરિક્રમા બંધ હોવાથી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડવાની શક્યતા છે, જેને પગલે તંત્રએ આ મેળાને ‘મિની કુંભ’ તરીકે જાહેર કરી આયોજનને આખરી ઓપ આપ્યો છે.

ભવ્ય પ્રારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમો

મેળાનો વિધિવત્ પ્રારંભ 11 ફેબ્રુઆરીએ સવારે ભવનાથ મંદિરે ધજારોહણ સાથે થશે. સાંજે 7:00 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભવ્ય ‘ડમરુ યાત્રા’ અને મહાઆરતી યોજાશે. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ બે સત્રમાં ગીતા રબારી, રાજભા ગઢવી સહિતના નામાંકિત કલાકારો ભક્તિ અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.

Junagadh Mahashivratri Mela 2026

મેળાનું મુખ્ય આકર્ષણ: રવેડી અને શાહી સ્નાન

શિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી સાધુ-સંતોની ભવ્ય ‘રવેડી’ એ મેળાનું આધ્યાત્મિક કેન્દ્ર છે. શંખનાદ અને હર હર મહાદેવના નાદ સાથે નીકળતી આ રવેડી ભવનાથ મહાદેવના પટાંગણમાં પહોંચશે, જ્યાં પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવશે. આ અદભૂત દ્રશ્ય જોવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

યાત્રિકો માટે પરિવહન અને એસ.ટી. સુવિધા

શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 400 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ રાજકોટ, જામનગર અને અમરેલી જેવા મુખ્ય રૂટો માટે 330 મોટી બસો ફાળવવામાં આવી છે, જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 50 બસોને સ્પેશિયલ રિઝર્વ રાખવામાં આવી છે. આ વધારાની બસોની સેવા 11 ફેબ્રુઆરીએ સવારે 9:30 વાગ્યાથી વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવશે.

Mahashivratri Melaમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

મેળામાં ઉમટનારી લાખોની મેદનીને જોતા સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. ગિરનાર પર્વત પર સુરક્ષાના ભાગરૂપે 90 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે અને સીડીગેટથી લઈને છેક દત્તાત્રેય શિખર સુધીના માર્ગ પર 200 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્નિફર ડોગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે, તેમજ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર ફાઈટરની 6 ટીમો પણ સ્થળ પર ખડેપગે હાજર રહેશે.

હેલ્પલાઈન અને માહિતી કેન્દ્ર

કોઈપણ મુશ્કેલી કે જાણકારી માટે ભાવિકો દત્ત ચોક માહિતી કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. તંત્રએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે જેથી મેડિકલ કે અન્ય કોઈ આપત્તિના સમયે તુરંત સહાય મળી રહે.


આ પણ વાંચોઃ મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ, ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ ભવનાથ મહાશિવરાત્રીમાં એસ.ટી. ચલાવશે 7800થી વધુ ટ્રિપો

આ પણ વાંચોઃ જૂનાગઢ ગિરનારની તળેટીમાં આજથી ‘મહાશિવરાત્રી મેળા’નો ભવ્ય પ્રારંભ, પ્રથમવાર યોજાશે ‘ડમરુ યાત્રા’