અમદાવાદમાં (Ahmedabad) થયેલી વિમાન દુર્ઘટના માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના સૌથી ભયાનક વિમાન અકસ્માતોમાંની એક માનવામાં આવે છે. ગયા વર્ષે 12 જૂને એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ ટેકઓફ બાદ થોડા જ પળોમાં અકસ્માત થયો હતો. વિમાન એરપોર્ટ નજીક આવેલી મેડિકલ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું, જેના કારણે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો સાથે હોસ્ટેલમાં રહેલા કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા હતા, તેમજ હોસ્ટેલને ભારે નુકસાન થયું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના જીવ ગયા હતા, જ્યારે હોસ્ટેલમાં રહેલા 19 લોકોના પણ મોત થયા હતા. અકસ્માત બાદથી તપાસ ચાલી રહી છે, અને હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ માગ્યો
અમદાવાદ (Ahmedabad) પ્લેન ક્રેશ કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવાર, 11 ફેબ્રુઆરીએ તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. કોર્ટે આ રિપોર્ટ રેકોર્ડમાં લેવા માટે મંગાવ્યો છે અને કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.
તપાસ અંતિમ તબક્કામાં
આ દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ દિવંગત કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને DGCA તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ચાલી રહેલી તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર થશે
કેન્દ્રના કાનૂની અધિકારીએ કોર્ટને ખાતરી આપી કે તપાસનો સ્ટેટસ રિપોર્ટ જલ્દી તૈયાર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસના ભાગરૂપે વિમાનના કેટલાક ભાગોને વિશેષ પરીક્ષણ માટે વિદેશ મોકલવામાં આવ્યા છે
આ પણ વાંચો:વકીલની અમદાવાદ પ્લેન ક્રેશમાં ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો
આ પણ વાંચો:પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશમાં નવો વળાંક: કાર્તિ ચિદમ્બરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસની માંગ
