Ahmedabad News:સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસ વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનેલા બાંધકામોને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સખત વલણ અપનાવ્યું છે. એરપોર્ટની આસપાસના 20 કિલોમીટર વિસ્તારમાં કરાયેલા એરોનોટિકલ સર્વે બાદ કુલ 46 ઇમારતોમાંથી 13 ઇમારતોના નડતરરૂપ ભાગો હજુ સુધી દૂર કરવાના બાકી છે. આ બાંધકામો ઓબ્સ્ટ્રક્શન લિમિટેશન સર્ફેસ (OLS)નું સીધું ઉલ્લંઘન કરે છે, જેના કારણે વિમાનોની સલામતીને જોખમ ઊભું થઈ શકે છે.
AAI-DGCA દ્વારા કરવામાં આવશે કાર્યવાહી
જાન્યુઆરી 2024માં DGCએ એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ 46 ઇમારતો સામે અંતિમ આદેશ જાહેર કર્યા હતા. જેમાં 28 મકાન માલિકોએ આદેશનું સંપૂર્ણ પાલન કરીને વધારાના માળ કે ભાગો હટાવી દીધા હતા. 4 કેસ અપીલમાં છે અને 1 કેસ ફરી એરોનોટિકલ અભ્યાસ માટે મોકલાયો છે.
એરપોર્ટની આસપાસ વધતા બાંધકામોને લઇ કાર્યવાહી
બાકીની 13 ઇમારતોના નડતરરૂપ ભાગો હટાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર છે.અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પગલે એરપોર્ટ ઓથોરિટીએ AMCને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે પછી એરપોર્ટની આસપાસ કોઈ પણ બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન આપતા પહેલાં એરપોર્ટ ઓથોરિટીની સ્થળ તપાસ અને ક્લિયરન્સ ફરજિયાત રહેશે.DGCAએના નિયમો અનુસાર, એકવાર કોઈ ઇમારત કે તેનો ભાગ અવરોધરૂપ જાહેર થયા પછી તેને તોડી પાડવું ફરજિયાત છે. આ મામલે કોઈ છૂટ કે માફીની જોગવાઈ નથી.
ઊંચાઇના ઉલ્લંઘનને લઇને પણ કાર્યવાહી કરાશે
એરપોર્ટની આસપાસ 20 કિલોમીટરના વિસ્તારને કલર-કોડેડ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં રેડ ઝોનમાં કોઈ પણ નવું બાંધકામ કે ઊંચાઈ વધારવા માટે AAIની NOC ફરજિયાત છે. જ્યારે બેડ ઝોનમાં મંજૂર ઊંચાઈ કરતાં વધુ કોઈ માળખું બાંધવું હોય તો પણ ક્લિયરન્સ જરૂરીche. GSR 751(E) નિયમ-૪ મુજબ એરપોર્ટની સીમાથી 1 કિમીની અંદરના કોઈ પણ રોડ કે રેલવે પ્રોજેક્ટ માટે ઊંચાઈ ક્લિયરન્સ ફરજિયાત છે.રનવેના એપ્રોચ અને ટેક-ઓફ વિસ્તારથી 1,500 મીટરની અંદર EHT/HT હાઈ ટેન્શન લાઈનો પૂર્ણપણે પ્રતિબંધિત છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?
આ પણ વાંચો: નજરની સામે દિકરો જીવતો સળગી ગયો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પણ જીવન સામાન્ય નથી થયું
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : તપાસ રિપોર્ટ બે દિવસમાં થશે જાહેર, રિપોર્ટ 30 દિવસમાં સબમિટ કરવાનો નિયમ
