રાજ્ય સરકાર જમીન મહેસૂલના મોરચે ક્રાંતિકારી પ્રસ્તાવ લઈને આવી છે. આ પ્રસ્તાવ પસાર થયો તો એક જ ઝાટકે જમીનને લગતા હજારો કેસોનો નીવેડો આવી જશે, તેની સાથે રાહત એ હશે કે જમીનને લગતા બીજા નવા વિવાદો પણ નહીં થાય. કેટલીય કાયદાકીય પ્રક્રિયાઓ તેના કારણે એકદમ સુગમ થઈ જશે. સરકારનો આ પ્રસ્તાવ છે 10 ગુંઠા કે તેનાથી થોડી વધુ જમીનનો કે ખેડૂત પાસેની તેની જમીનનો વ્યવહાર નિયમિત કરવાનો. બસ તેના માટે થોડો દંડ ભરવાનો રહેશે. ખેડૂતે બિચારાએ આમ પણ કાયદેસરનું કરવાનું હોય તો પણ વ્યવહાર કરવો પડે છે, જ્યારે અહીં સરકાર જ દંડ ભરીને જમીન વેચાણની છૂટ આપતી હોય પછી તેણે કોઈ અયોગ્ય રીતરસમો અજમાવવી નહી પડે કે એજન્ટોને કે સરકારી અધિકારીઓને રૂપિયા ખવડાવવા નહીં પડે.

હાલમાં પણ જમીન અંગેનો 1947નો નિયમ જ લાગુ પડે છે. આ જૂના કાયદા મુજબ બિનપીયત જમીનમાં 80.94 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણવામાં આવતી હતી. જ્યારે પિયત જમીન 20.94 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણવામાં આવતી હતી. આ કાયદાકીય મર્યાદાના કારણે ગુજરાતના ખેડૂતો તેમની પાસે જમીનનો નાનો ટુકડો હોય અને મોકાની જમીન હોય તો પણ વેચી શકતા ન હતા. ફક્ત એટલું જ નહીં ખેડૂતોને વારસાઈ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. કાયદો રચાયો તે સમયે જરૂરી હતો અને તે યોગ્ય પણ હતુ. પણ સમય મુજબ કાયદો પણ બદલવો પડે. આજના સમયમાં જમીન મહેસૂલ અંગે 1947ના કાયદાના માપદંડ લાગુ પાડવા જતાં ખેડૂતોએ આત્મહત્યા કરવાની જ સ્થિતિ આવે છે.

ખેડૂતને ફક્ત જમીન વેચાણ જ નહીં વારસાઈમાં પણ રાહત થશે. આ પ્રસ્તાવને મંજૂરી મળતા વારસાઇને લગતા અનેક પ્રશ્નોનો પણ ઉકેલ આવી જાય તેવી સંભાવના છે.આ પ્રસ્તાવમાં ફક્ત 10 ગુંઠા પૂરતી જ જમીનની વાત નથી, કોઈ કુદરતી કારણસર અથવા તો સરકાર દ્વારા જમીન સંપાદન કરવાના કારણે કે સ્થાનિક નગરનિગમ દ્વારા જમીન સંપાદન કરવાના કારણે જો જમીન 10 ગુંઠાથી પણ ઓછી થઈ ગઈ હોય તો તેવા કિસ્સામાં સરકાર ખાસ છૂટ પણ આપવાની છે. આ ઉપરાંત અત્યાર સુધી જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતનો પ્રથમ હક્ક રહેતો હતો તે કાયદાકીય જોગવાઈ હજી પણ છે. નવા નિયમમાં આ જોગવાઈ નીકળી જતાં જમીન વેચનારા ખેડૂતને પણ આ સૌથી મોટી રાહત થશે.

સરકારના સૂત્રોનો દાવો છે કે આ કાયદાના લીધે જમીન મહેસૂલને લગતા હજારો વિવાદો ભૂતકાળ બની જશે, તેના કારણે 7-12ના ઉતારામાં જમીનનો ટુકડો કે કલમ-7 મુજબ પ્રતિબંધિત જેવી નોંધો પડતી હતી તે બંધ થઈ જશે. તેના કારણે જમીનના ભાગલા કે વારસાઈ નોંધ વખતે નાની જમીનના કારણે પડતી તકલીફો દૂર થશે. આના કારણે ઘણા લોકો પોતાની જ જમીન પરના હક્કથી વંચિત રહી જતાં હતા. આમ રાજ્ય સરકારનું આ એક સ્તુત્ય પગલું લાખો ખેડૂતો માટે રાહત લઈને આવ્યું છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે નવા કાયદાનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ નવા મુસદ્દા મુજબ કલમ-9(3)માં સુધારો કરવામાં આવશે અને નવી જોગવાઈઓ ઉમેરવામાં આવશે. બધા પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ મર્યાદા ઘટાડીને 10 ગુંઠા કરવાની દરખાસ્ત છે. 10 ગુંઠા કે તેથી વધુના ટુકડા ધરાવતા ખેડૂતો રાજ્ય સરકાર નક્કી કરે તેવો દંડ ભરીને પોતાના વેચાણ વ્યવહાર કે તબદિલીને નિયમિત કરાવી શકશે. આ નવો કાયદો અસ્તિત્વમાં આવશે તો રાજ્યના અનેક નાના ખેડૂતો જેમની પાસે જમીનનો ટુકડો છે તેમાં તેમને નોંધપાત્ર રાહત થશે. તેઓ પણ ટુકડી જમીનના માલિક કહેવાશે, તેઓ તેમની આ પ્રકારની ટુકડા જમીનની નોંધણી કરાવી શકશે, વેચી શકશે અને વારસાઈ પણ કરાવી શકશે.

ખેડૂતની જમીનમાં સૌથી મોટી તકલીફ વારસાઈમાં ભાગલા પાડતી વખતે થતી હતી. તેના કારણે જમીનના ટુકડા નાના થતા હતા અને પછી નાના ટુકડાની વારસાઈ કરાવવાથી લઈને નોંધણી કરાવવામાં વારસદારોએ અનેક સમસ્યાનો સામનો કરવાનો આવતો હતો. જમીનના ટુકડા નાના થવાના કારણે દસ્તાવેજ હોવા છતાં પણ આ ટુકડાને રેકર્ડ પર જ લેવાતા ન હતા, કારણ કે આ ટુકડાને રેકર્ડ પર લેવાની કોઈ જોગવાઈ જ ન હતી. હવે નવા નિયમના કારણે દસ ગુંઠા કે તેનાથી પણ નાનો ટુકડો વારસાઈમાં મેળવી શકાશે અને તેની નોંધણી પણ કરી શકાશે અને તેનું જરૂર પડે ત્યાં વેચાણ પણ કરી શકાશે. આમ જમીનનનો નાનો ટુકડો હશે તો એળે નહીં જાય.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ પણ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. આ સમયે નાના-નાના શહેરોની નજીક આવેલા ગામડાની જમીનને વેચવામાં ખેડૂતોએ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો, આ ઉપરાંત જમીનનો ટુકડો નાનો થવાના કારણે અને કાયદા મુજબનો ન હોવાથી તેના ભાવ પણ નીચા મળતા હતા. હવે નવી જોગવાઈના કારણે ટુકડો જમીનને લઈને બધી જ કાયદાકીય પ્રક્રિયા થઈ શકતી હોવાથી હવે જમીનનો જે ટુકડો નાના ખેડૂતોને અત્યંત નીચા ભાવે વેચવાની ફરજ પડતી હતી તેને તે બજારભાવે વેચી શકશે. આના કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે નાના ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકી શકશે. એક સમયે જરૂર પડે તો તે ટુકડા જમીનનું વેચાણ કરીને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકશે. કમસેકમ ખેડૂતો માટે આ ક્રાંતિકારી અને હિતકારી પગલું છે. તેની સાથે-સાથે આ પગલાંના કારણે નાના શહેરોના વિકાસનો માર્ગ પણ મોકળો થશે અને તે જમીનના નાના-નાના ટુકડા માટે બિનજરૂરી કાયદાકીય અને કોર્ટની પ્રક્રિયાથી બચી શકશે તથા તેની લેવેચનો સીધો વ્યવહાર કરી શકશે. તેના કારણે નાના શહેરોના રિયલ એસ્ટેટ ડેવલપરો અને ઉદ્યોગકર્તાઓને પણ રાહત થશે. નાની-નાની જમીનોનો વિકાસલક્ષી ઉપયોગ કરવો સરળ બનશે.
આ પણ વાંચો: ગુજરાતનું રાજકારણ અને ગુજરાતી કલાકારો, ‘ડુંગરા દૂરથી રળિયામણા’
આ પણ વાંચો: કોંગ્રેસમાં સાફસૂફીઃ ભરતસિંહ જૂથના આગેવાનોને સ્થાનિક પ્રદેશ માળખામાં ક્યાંય સ્થાન નહીં
આ પણ વાંચો: અલ્પેશ ઠાકોર પર ગદ્દારીના આક્ષેપથી ઠાકોર સમાજમાં ખળભળાટ
