અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના સરપંચ પ્રતિનિધિ અનક સાંખટની વાત તે કહેવત પુરવાર કરે છે કે હાથીના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા હોય છે. કદાચ વર્તમાન સંજોગોમાં આ કહેવત વર્તમાન વ્યવસ્થા તંત્રને લાગુ પડશે તો આશ્ચર્ય નહીં થાય. તંત્ર એકબાજુએ સેવ લાયન અને સેવ ટાઇગર જેવા પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે તો બીજી બાજું આ જ તંત્રએ અમરેલીના જાફરાબાદ વિસ્તારમાં વનવિભાગ માટે રિઝર્વ એવી 75 હેક્ટર ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને આપવા હિલચાલ આદરી છે. આમ અમરેલીમાં પહેલા સિંહો દાટ વાળતા હતા, હવે સિંહોનો દાટ વળશે.
આમ એકબાજુએ સિંહોના અસ્તિત્વની જાળવણી કરવા અને તેનું જતન કરવા માટે રાજ્ય સરકારના બજેટમાંથી કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમના અસ્તિત્વની જાળવણી કરવા માટેના સઘન પ્રયત્નો જારી છે. આગામી દિવસોમાં વધુ ભંડોળ જારી કરવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં થાય.
બીજી બાજુએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તંત્રના જ ઉદ્યોગને જમીન ફાળવવાના પગલાના કારણે સિંહોનું અસ્તિત્વ ભયમાં મૂકાયું છે. વનવિભાગની જમીનનો પટ્ટો ખાનગી કંપનીને માઇનિગ માટે સોંપવાની હિલચાલ વેગવંતી બનવાની સાથે આ વિસ્તારમાં રહેતા પર્યાવરણવાદીઓ અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો આ પ્રકારે ખનન માટે જમીન ફાળવણીનો આકરો વિરોધ કરી રહ્યા છે. જો તંત્ર તેની વાત પરથી પાછુ નહીં હટે તો લોકો આગામી દિવસોમાં આંદોલન કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
ખાનગી કંપનીને જંગલની જમીન લીઝ આપવા તંત્રની હિલચાલ સામે લોકોમાં અને પર્યાવરણપ્રેમીઓમાં વિરોધના સૂર અત્યારથી જ ઉઠવા લાગ્યા છે. લોકો તેની સામે સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય સ્તરે તેના વિરોધમાં રજૂઆતો પણ કરવા લાગ્યા છે. લોકોએ સ્થાનિક સ્તરે કલેક્ટર કચેરીથી લઈને વનવિભાગને આ પ્રકારની હિલચાલ સામે આવેદનપત્ર પણ આપ્યું છે. તેઓ જરૂર પડે તો સિંહને બચાવવા માટે રસ્તા પર પણ ઉતરવા તૈયાર છે.
સ્થાનિકોનો દાવો છે કે જાફરાબાદના બાબરકોટ પાસે આવેલા ધારી ગીરના પૂર્વ ડિવિઝન હેઠળ ફોરેસ્ટ રિઝર્વની મહામૂલી જમીન પર ખાનગી કંપનીનો વર્ષોથી ડોળો છે. આ માઇનિંગ કંપની અહીં ખનન માટે વારંવાર પ્રોજેક્ટ રજૂ કરી ચૂકી છે, પરંતુ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા 2016થી લઈને અત્યાર સુધીમાં અનેક વન અધિકારીઓએ તેના પ્રોજેક્ટને નકારી કાઢ્યો છે. તેની સાથે આ જમીન ફોરેસ્ટ રિઝર્વમાં આવતી હોવાથી તેના પર ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવાનો સવાલ જ ઉદભવતો નથી તેમ જણાવ્યું હતું. આમ છતાં પણ કંપની આના માટે સતત પ્રયત્નરત રહી જ હતી.
જોકે હવે વનવિભાગના ટોચના અધિકારીઓએ આ પ્રોજેક્ટ માટે પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો હોવાની ચર્ચા ચકડોળે ચઢી છે. વનવિભાગના કર્મચારીઓના આંતરિક સૂત્રો મુજબ આ જમીન ટૂંક સમયમાં જ માઇનિંગ માટે સોંપી દેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યુ છે. હવે આ વનવિભાગની જમીન માઇનિંગ વિભાગને આપી દેવાની ચર્ચા ચકડોળે ચઢવા માંડતા અમરેલીના અને તેમા પણ ખાસ કરીને જાફરાબાદના સ્થાનિક લોકો ભડક્યા છે. તેઓનું કહેવું છે કે ફક્ત ધંધાકીય હેતુ માટે વનવિભાગની જમીનની આંધણ કરવુ તે ક્યાંનો ન્યાય છે.
સિંહપ્રેમી મયંક ભટ્ટનો દાવો છે કે ખાનગી કંપનીને ફોરેસ્ટ રિઝર્વની જમીન આપી દઈને સિંહોને બીજે વસાવવાનું આયોજન હોવાનું જાણમાં આવ્યું છે. હવે જો આ વાત સાચી હોય તો આ ખરેખર ભયંકર વાત છે. વાસ્તવમાં દરિયાઈ વિસ્તારોમાં રહેતા સિંહોની લાક્ષણિકતા જુદી હોય છે. હવે તેની આ લાક્ષણિકતાનો અભ્યાસ કર્યા વગર જ તેને બીજે ટ્રાન્સફર કરવામાં આવે તો તેના કારણે તેમનું અસ્તિત્વ ભયમાં મૂકાઈ શકે છે. આ સિવાય આ સિંહો ગીરના સિંહ નથી અને ગીરથી દૂર છે તેવું કારણ આપવામાં આવી રહ્યું છે, આવું માનનારાઓને મારો જવાબ છે કે ભવિષ્યમાં જો ગીરમાં કોઈ બીમારી ફેલાય અને તે સિંહો ભોગ બને તો અહીં રહેતા સિંહો વડે તેમનું અસ્તિત્વ જળવાશે.
એશિયાટિક સિંહો માટે જંગલની અનામત જમીન આ રીતે ખનન માફિયાઓના હવાલે કરી દઈને તંત્ર છેવટે શું સાબિત કરવા માંગે છે. તંત્રને શું ખરેખર સિંહોની કશી જ પડી નથી, તંત્ર સિંહોનું આ છેલ્લુ રહેઠાણ પણ છીનવી લેવા માંગે છે. સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મુજબ અહીં 40 જેટલા સિંહ તો નોંધાયેલા છે અને પૂનમ અવલોકન મુજબ લગભગ 51 સિંહો આટલા વિસ્તારમાં ફરે છે.
આ સંજોગોમાં માઇનિગંને મંજૂરી મળી તો આ સિંહો જશે ક્યાં તે સૌતી મોટો સવાલ છે. રાજ્ય સરકારે શું આ સિંહો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ આ પ્રકારે મંજૂરી આપી દેવી તે ક્યાંનો ન્યાય છે. તંત્ર પર શું ખાનગી કંપની એટલું બધુ દબાણ લાવી કે તેણે સિંહોની રક્ષા માટે નિયમ મજરે મૂકવો પડ્યો. સિંહો આમ પણ જાફરાબાદ તાલુકાના ગામડામાં ગમે ત્યારે આવી જાય છે, હવે જો આ રીતે ખાનગી કંપનીને માઇનિંગની મંજૂરી મળશે તો ગામમાં આવવાનું સિંહોનું પ્રમાણ વધી જશે, આ સંજોગોમાં સ્થાનિકોના જાનમાલને નુકસાનની સંભાવના પણ વધી છે.
આ ઉપરાંત માઇનિંગ શરૂ થયું તો અહીં વીસથી પણ વધુ પ્રજાતિના લગભગ છ હજાર જેટલા વૃક્ષો હોવાનું મનાય છે, માઇનિંગ કંપની આ વૃક્ષોનું પણ નિકંદન કાઢશે. વનવિભાગના ચોપડે રાજુલા-બાબરકોટ કોસ્ટલ હાઇવે, પીપાવાવ, કોવાયા કોરિડોર નબર-20 તરીકે નોંધાયેલો છે. આ કોરિડોરને સિંહોની અવરજવર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. હવે તો તેની સામે પણ સવાલ સર્જાયો છે.
પ્રકૃતિ પ્રેમીઓનું સ્પષ્ટપણે માનવું છે કે જો ખાનગી કંપનીને અહીં માઇનિંગ કરવાની છૂટ આપવામાં આવી તો પ્રકૃતિની સાથે-સાથે સિંહોનું ચોક્કસપણે નિકંદન નીકળી જશે. દરિયાઈ પટ્ટી પર વસતા સિંહોની પ્રકૃતિગત લાક્ષણિકતા જુદી જ હોય છે. આના કારણે તે ગીરના સિંહોથી પણ અલગ પડતાં જોવા મળે છે. સતત મનોરમ્ય વાતાવરણમાં ટેવાયેલા આ સિંહો માટે આ બધું અત્યંત કપરું નીવડી શકે છે.
આ અંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારે માઇનિંગને મંજૂરીનો કોઈ પ્રસ્તાવ અમારા ધ્યાન પર આવ્યો નથી. આ સિવાય ગીરના સિંહોને બીજે ફેરવવાનું અમારું કોઈ આયોજન પણ નથી. જો કે સ્થાનિકોનું કહેવુ છે કે સરકાર ભલે વાત જુદી કહે, પરંતુ સ્થાનિક સ્તરે આ હિલચાલનો આરંભ કરી દેવામાં આવ્યો છે અને તે અમને સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. આમ સરકારની વિકાસની આકાંક્ષા સિંહોનો ભોગ લઈ શકે છે.
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
