Junagadh News/ ભવનાથ તળેટીમાં જયરાજ આહિરની એન્ટ્રી: બસ લઈને પહોંચ્યો, તંત્ર ચકિત

Jayraj Ahir ખાનગી લક્ઝુરિયસ બસ લઈને ભવનાથ તળેટીમાં પહોંચ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Gujarat Others
Jairaj Ahir

Junagadh News : ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળા દરમિયાન VVIP કલ્ચરને પૂર્ણ વિરામ આપવાના વહીવટી તંત્રના દાવા વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. જાણીતા લોકસાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર (Jairaj Ahir)ખાનગી લક્ઝુરિયસ બસ લઈને ભવનાથ તળેટીમાં પહોંચ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જ્યાં મંત્રી–IAS ચાલીને જાય છે, ત્યાં ખાનગી બસથી એન્ટ્રી

આ વર્ષે મેળા વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને ભક્તોને સુવિધા મળે તે માટે કડક નિયમો લાગુ કરાયા હતા. કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળા વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. દર વર્ષે આપવામાં આવતા ‘પ્રવેશ પાસ’ પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું હતું.

લાખો ભાવિકો કિલોમીટરો સુધી પગપાળા ચાલી ભવનાથ મહાદેવના દર્શન માટે પહોંચી રહ્યા છે, ત્યારે જયરાજ આહિર (Jairaj Ahir)પોતાના મિત્રમંડળ સાથે ખાનગી બસમાં છેક જૂના અખાડા નજીક સુધી પહોંચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.

કડક પ્રતિબંધ છતાં જયરાજ આહિર (Jairaj Ahir)ની બસ કેવી રીતે પહોંચી?

વહીવટી તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ફરજ પરના કર્મચારીઓ માટે ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે:

  • ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પ્રવેશી?

  • રસ્તામાં આવેલા પોલીસ ચેકપોસ્ટ પર રોકવામાં કેમ ન આવી?

  • શું કોઈ વિશેષ મંજૂરી આપવામાં આવી હતી?

આ મુદ્દાઓ હાલમાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

વીડિયો વાયરલ થતા રોષ

જયરાજ આહિરે (Jairaj Ahir) રાત્રિના સમયે ભવનાથમાં દર્શન કર્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સામાન્ય ભક્તો ઉઘાડા પગે ચાલે છે અને બીજી તરફ પ્રભાવશાળી વ્યક્તિઓને સુવિધા મળે છે, તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે.

તપાસના આદેશ

આ મામલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું છે કે,

“આ વર્ષે મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન નથી. ઘટના અંગે માહિતી મળતા જ તપાસના આદેશ આપી દીધા છે. કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થશે.”

હવે નજર કાર્યવાહી પર

સ્થાનિકોનું માનવું છે કે વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સરાહનીય હતો, પરંતુ આવા કિસ્સાઓથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે. હવે તપાસ બાદ તંત્ર કડક કાર્યવાહી કરે છે કે મામલો શાંત પડી જાય છે, તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો : બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા

આ પણ વાંચો : બગદાણા ચકચારી કેસમાં જયરાજ આહીર સહિત 6 આરોપીઓને મહુવા કોર્ટે જામીન મંજૂર

આ પણ વાંચો : બગદાણા કેસમાં મોટો ધડાકો, માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ!